વડોદરા,વડોદરાનો નામચીન બૂટલેગર વિજુ સિન્ધી સંખ્યાબંધ ગુનાઓમાં વોન્ટેડ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેના પ્રત્યાર્પણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં તે દુબઇની જેલમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, તે કયા ગુનામાં ત્યાં જેલમાં બંધ છે. તે અંગે હજી સ્પષ્ટ વિગતો મળી નથી.
રાજ્યભરમાં વિદેશી દારૃનો સપ્લાય કરતી ગેંગના ગેંગસ્ટર મુકેશ હરજાણીના મર્ડરનું એક કારણ કરોડો રૃપિયાના દારૃની હેરાફેરી પણ હતું. આ કેસમાં પોલીસની નિષ્કાળજીના કારણે વિજુ સિન્ધી સહિતના આરોપીઓને સજા થઇ નહતી. ત્યારબાદ વિજુ સિન્ધીએ સમગ્ર રાજ્યમાં દારૃનું એકચક્રી શાસન ચલાવ્યું હતું. પરંતુ, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેની ધરપકડ માટેનો ગાળિયો કસવામાં આવતા તે દેશ છોડીને દુબઇ જતો રહ્યો હતો. દુબઇમાંથી તેને પરત ભારત લાવવા માટેની કાર્યવાહી એસ.એમ.સી. દ્વારા ચાલી રહી છે. તેની સામે ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ થયો છે. પરંતુ, ગુનાઇત પ્રવૃત્તિઓ કરવા ટેવાયેલા વિજુ સિન્ધીએ દુબઇમાં રહીને પણ ગુનાઇત પ્રવૃત્તિ ચાલુ રાખી છે. ગયા મહિને સ્ટેટ મોનિટરિગ સેલ દ્વારા અમદાવાદમાંથી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું.વિજુ સિન્ધી સટ્ટો રમવા માટે સટોડિયાઓને આઇ.ડી. આપતો હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ, દર મહિને ૨ લાખ દિરહામ ( દુબઇનું ચલણ) ભરવાની શરતે જે – તે સમયે દુબઇમાં તેને છોડવામાં આવ્યો હતો. હાલમાં વિજુ સિન્ધી દુબઇની જેલમાં હોવાની માહિતી મળી છે. તે દર મહિનાની રકમ ભરવામાં નિષ્ફળ રહ્યો હોવાથી તેને પકડવામાં આવ્યો છે કે પછી અન્ય કોઇ કારણસર તેને દુબઈની જેલમાં બંધ કરવામાં આવ્યો છે. તે અંગે હજી સ્પષ્ટ વિગતો મળી નથી.
વિજુ સિન્ધી પ્રોહિબીશનના ૭૨ અને ગુજસીટોકના એક ગુનામાં વોન્ટેડ
વડોદરા,સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નામચીન વિજુ સિન્ધી સહિત રાજ્યભરના અન્ય ૯ આરોપીઓ મળી કુલ ૧૦ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા બૂટલેગર વિજુ સિન્ધી સામે પ્રોહિબીશનના ૧૪૭ થી વધુ ગુનાઓ દાખલ થયા છે. જે પૈકી ૭૨ થી વધુ ગુનાઓમાં તેમજ ગુજસીટોકના એક મળી ૭૩ ગુનામાં તે વોન્ટેડ છે. વિજુ સિન્ધી દારૃનો ધંધો કરવા માટે વડોદરાથી એક ગેંગ ઓપરેટ કરતો હતો. જે સમગ્ર રાજ્યમાં દારૃ સપ્લાય કરતી હતી.
ઇ.ડી.દ્વારા પણ વિજુ સિન્ધીની સામે કાર્યવાહી થઇ હતી
વડોદરા,એસ.એમ.સી.દ્વારા વિજુ સિન્ધીને પકડવા માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવતા તે દુબઇ ભાગી ગયો હતો. તેની સામે ઇ.ડી. દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના નામચીન બૂટલેગર વિજુ સિન્ધી તથા તેના નિકટના ગણાતા સુનિલ ઉર્ફે અદા ની પણ મિલકતોની તપાસ શરૃ કરવામાં આવી હતી. વડોદરા ઉપરાંત અન્ય જિલ્લામાં તેની કેટલી મિલકતો છે. તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.