![]()
Vadodara Visa Fraud Case : સુરતના એન્જિનિયર સહિત ત્રણને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે 15 લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં નાસતા ફરતા આરોપીને છાણી પોલીસે ઝડપી પાડયો છે.
સુરતના રાંદેર વિસ્તારમાં પ્રભાત તારા સ્કૂલની બાજુમાં જલઘારા ફ્લેટમાં રહેતા દત્ત ગિરીશભાઇ પટેલ સુરતના કતારગામે ડી.આર.સી. કંપનીમાં સર્વિસ એન્જિનિયર છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ગત 8મી જુલાઇએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વર્ષ-2023માં મારે વિદેશ જવાનું હોઇ મારા માસીના દીકરા બંસી પટેલને વાત કરી હતી. હું, મારો મિત્ર તીર્થ પટેલ અને બંસી પટેલ ઓક્ટોબર-2માં માંજલપુર ઇવા મોલ પાસે શાલીન કોમ્પલેક્સમાં ધ વર્લ્ડ વિઝા હબ નામની ઓફિસમાં ગયા હતા. ઓફિસમાં અમે તુષાર સપકાળને મળ્યા હતા. તુષારે ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે એક વ્યક્તિના 13 લાખ થશે તેવું કહ્યું હતું. ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝાના બહાને અમારી પાસેથી 15 લાખ લઇને વિઝા અપાવ્યા નહતા. આ ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી તુષાર દિલીપભાઇ સપકાળ (રહે. પરિશ્રમ સોસાયટી, ચંદ્ર નગર સોસાયટી પાસે, તરસાલી) ને છાણી પોલીસે ઝડપી પાડી માંજલપુર પોલીસને સોંપ્યો છે.










