Congress National AICC Seasion 2025 In Ahmedabad : ગુજરાતના અમદાવાદમાં સરદાર સ્મારક, ગાંધી આશ્રમ અને સાબરમતી ખાતે આવતીકાલે 8 એપ્રિલ અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1902 અને 1921માં અહીં અધિવેશન મળેલાં, એ જોતાં કહી શકાય કે ઘટનાનું 123 કે 104 વર્ષે પુનરાવર્તન થઈ રહ્યું છે. બીજો એક સંદર્ભ જોઈએ તો, ભાવનગરમાં 1961માં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું તે પછી પહેલીવાર ગુજરાતમાં મળી રહ્યું છે, ત્યારે યોજાનારા અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીન, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો સહિત દેશમાંથી 3 હજારથી વધુ ડેલિગેટ આ અધિવેશન હાજરી આપશે. તેવામાં આજે સોમવારે (7 એપ્રિલ, 2025) મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કે.સી.વેણુગોપાલ, દિગ્વિજયસિંહ સહિતના નેતા અમદાવાદ પહોંચ્યા છે.
8-9 એપ્રિલનો કાર્યક્રમ
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે, ત્યારે કોંગ્રેસના અનેક નેતા અમદાવાદ આવી રહ્યા છે. જેમાં આવતીકાલે મંગળવારે સવારે 11 વાગ્યે શાહીબાગના સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારીણી (CWC)ની બેઠક મળવાની છે. આ પછી સાંજે 5 વાગ્યે સાબરમતી આશ્રમના પ્રાર્થના સભા, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે 7.45 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે 9 એપ્રિલની સવારે 9:30 વાગ્યથી રિવરફ્રન્ટ પર રાષ્ટ્રીય અધિવેશન યોજાશે.
આજે સોમવારે (7 એપ્રિલ) આવેલાં કોંગ્રેસના નેતાની યાદી
1. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
2. લોકસભા સાંસદ શશી થરૂર
3. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા
4. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર
5. મહારાષ્ટ્રના CWC સભ્ય યશોમતી ઠાકુર
6. પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ સામી
7. સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ
8. મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબા
9. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ
10. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ
11. NSUIના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન
12. કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ વસંતકુમાર
13-14.આંધ્રપ્રદેશના AICC મેમ્બર ડૉ. તુલસી રેડ્ડી અને પદ્મસરી સુનકારા
15. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત
આ પણ વાંચો: VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થપ્પડ
કોંગ્રેસ અધિવેશનનું ભૂતકાળ
ભૂતકાળ તપાસીએ તો 1885માં સ્થપાયેલી કોંગ્રેસનું ગુજરાતમાં પહેલીવારનું અધિવેશન 1902માં અમદાવાદમાં યોજાયું હતું. સુરેન્દ્રનાથ બેનરજી એના પ્રમુખ હતા જ્યારે સ્વાગત પ્રમુખ દિવાનબહાદુર અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. ત્યારબાદ બરાબર પાંચ વર્ષ બાદ, 1907માં સુરતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું તેના પ્રમુખ રાસબિહારી ઘોષ હતા. આ વખતે પણ સ્વાગત પ્રમુખ અંબાલાલ દેસાઈ જ હતા. 1902ના,અમદાવાદ અધિવેશનમાં સરસ્વતીચંદ્રના સર્જક તરીકે જાણીતા ગોવર્ધનરામ ત્રિપાઠી પણ પ્રતિનિધિ તરીકે હાજર હોવાની નોંધ છે. ક.મા. મુનશીએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી હતી. હિન્દની ગરીબાઈ, દુષ્કાળ, કાપડ જકાત, ભારતીયો સાથે ભેદભાવ સહિતના મુદ્દે બાવીસ ઠરાવ થયેલા.