– ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળી, નિર્દોષ નાગરિકો સાથે પોલીસનું ગુનેગાર જેવું વર્તન
– આઈ.જી., એસ.પી.ની બદલી કરવા ધારાશાસ્ત્રીઓની માંગ, અન્યથા આંદોલનની ચીમકી : જજની સૂચના છતાં એસ.પી.,ડીવાયએસપી આવ્યા નહીં : પૂર્વ પ્રમુખ
ભાવનગર : ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેફી પીણુ પી એક નશાખોર શખ્સે આખી કોર્ટ માથે લીધી હોય તેમ ચેમ્બરના બારણાંને પાટા મારી મારી ‘મુદ્દત આપ, મુદ્દત આપ..’નું રટણ કરી હંગામો મચાવ્યો હતો. સમગ્ર ઘટના બાદ કોર્ટ પરિસર પણ અસુરક્ષિત હોય તેવી લાગણી સાથે વકીલોમાં રોષ ફેલાયો હતો અને અસામાજિક તત્ત્વોને છાવરવામાં આવતા હોવાના ખુલ્લેઆમ આક્ષેપ મુકી વકીલ મંડળ દ્વારા આઈ.જી., એસ.પી.ની બદલી કરવા માંગણી કરાઈ હતી.
બનાવની વિગત એવી છે કે, ભાવનગરમાં આજે સવારે ૧૦ઃ૩૦ કલાકના અરસામાં કોર્ટ હજુ ડાયસ ઉપર પણ આવી ન હતી ત્યાં કિશોરસિંહ ઉર્ફે ઋત્વિક ગોહિલ નામના શખ્સે નશો કરેલી હાલતમાં ઘૂસી કોર્ટ ચેમ્બરના બારણે પાટા મારી ‘મુદ્દત આપ, મુદ્દત આપ..’ કહીં નશાની હાલતમાં રહેલા શખ્સે કોર્ટ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. આ બનાવ અંગે ભાવનગર બાર એસો.ના પૂર્વ પ્રમુખ હિરેન જાનીએ માહિતી આપી હતી કે, કેફી પીણું પીધેલી હાલતમાં રહેલો શખ્સ બહાર નીકળી બેફામ ગાળો બોલતો હતો. ત્યારે હાજર કોર્ટ ઓડલી (પોલીસ કર્મચારી)એ કોઈ જ કાર્યવાહી ન કરતા વકીલોએ દોડી જઈ અન્ય પોલીસને બોલાવી તેને પકડાવી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે, ઝડપાયેલાં આ શખ્સ સામે અદાલતમાં બે કેસ હતા.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોર્ટમાં અસામાજિક તત્ત્વોની જ અવર-જવર રહે છે, જો વકીલો-ન્યાયમૂર્તિ સુધી પહોંચવા તહોમતદારો હિંમત કરતા હોય તો ભાવનગરમાં કાયદો-વ્યવસ્થા પડી ભાંગી હોવાનું તેમણે આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં આઈજી, એસપીની બદલી માટે વકીલો મેદાનમાં ઉતર્યા હતા. ભાવનગરમાં કાયદો-વ્યવસ્થાનું ફરી નિર્માણ થાય, ભાવનગરની પ્રજા માટે ધારાશાસ્ત્રીઓ સીએમ, ગૃહમંત્રી અને તંત્રને રજૂઆત કરી ભાવનગર રેન્જના આઈ.જી., એસ.પી.ની બદલીની માંગ કરશે. તેમ છતાં જો આઈ.જી., એસ.પી.ની બદલી નહીં કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડાશે. તેમણે અંતમાં એમ પણ ઉમેર્યું કે, પોલીસ અધિકારીઓ જાડી ચામડીના છે. ન્યાયમૂર્તિએ ૧૨ વાગ્યે સુચના આપી હોવા છતાં એસપી કે ડિવાયએસપી કોર્ટમાં આવ્યા ન હતા. વકીલો, જ્યુડીશિયલ ઓફિસરો પોલીસ તંત્ર માટે અનિચ્છનિય વ્યક્તિ હોય એવી રીતે કામગીરી કરી રહ્યું છે. ત્યારે લોકો માટે કઈ સ્થિતિ ઉદ્દભવતી હશે એ સમજવું જ રહ્યું તેવો તેમણે અંતમાં આક્રોશ ઠાલવ્યો હતો.
24 કલાક ધંધા-રોજગાર શરૂ રાખવા સરકારના પ્રયત્નો, પોલીસને બંધ કરાવવામાં વધુ રસ
કોર્ટ પરિસરમાં અસામાજિક તત્ત્વએ બેફામ બની ગાળાગાળી અને કર્મચારીઓ સાથે માથાકૂટ કર્યાની ઘટના બાદ રોષે ભરાયેલા વકીલોએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી હોવાનો મત વ્યક્ત કરી પોલીસની દાદાગીરી સામે પણ સવાલો કર્યા હતા. એક તરફ રાજ્ય સરકાર દ્વારા લોકો ૨૪ કલાક ધંધો કરી શકે તેવી યોજના બહાર પાડવામાં આવી રહી છે અને બીજી તરફ ભાવનગરમાં ઉલ્ટી ગંગા જોવા મળતી હોય તેમ રાત્રે ૧૧ વાગ્યે પોલીસ દંડાના જોરે લોકોને ધંધા બંધ કરાવી રહ્યાનો બાર એસો.ના પૂર્વ પ્રમુખ હિરેન જાનીએ આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે પોલીસ તંત્ર ઉપર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ભાવનગર પોલીસ રાત્રે ૧૧ વાગ્યા બાદ નિર્દોષ નાગરિકોને રંજાડે છે. પરિવાર સાથે બહાર નીકળેલા નાગરિકો સાથે ગુનેગાર જેવું વર્તન કરે છે. બીજી તરફ, અસામાજિક તત્ત્વોને ખુલ્લો દૌર આપવામાં આવતો હોય તેવી સ્થિતિ બની ગઈ છે. બુટલેગરોને સુરક્ષિત રસ્તો આપવા રાત્રે ૧૧ વાગ્યે દુકાનો બંધ કરાવે છે. ત્યારે કયાં કાયદાની જોગવાઈ અનુસાર લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે ? તેવો પણ તેમણે વેધક સવાલ કર્યો હતો.
નશાખોર સામે પોલીસે માત્ર વિરૂદ્ધ પોલીસે પ્રોહી. એક્ટ તળે કાર્યવાહી કરી
આજે સવારે કોર્ટ પરિસરમાં નશો કરેલી હાલતમાં કિશોરસિંહ ઉર્ફે ત્વિક રાજેન્દ્રસિંહ ગોહિલે કોર્ટ રૂમના દરવાજાને પાટા મારી ગાળો બોલી મુદત આપો કહી ધમાલ મચાવી હતી. તેવામાં પીએસઓ દ્વારા પીસીઆરને જાણ કરતા પીસીઆર વાન કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચી હતી અને નશાખોરને ઉઠાવી ગંગાજળિયા પોલીસ મથક ખાતે લાવી તેના વિરૂધ્ધ માત્ર જાહેરમાં પાસ પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળ્યાનો ગુનો નોંધ્યો હતો.