વડોદરાઃ વાસણોરોડ વિસ્તારમાં બાઇક પર ગાંજો વેચતા પકડાયેલા બે કેરિયરને ગાંજો સપ્લાય કરનાર તાંદલજાના નામચીન ફૈસલને પોલીસે ઝડપી પાડયો છે.આરોપી સામે બે વર્ષ પહેલાં પણ નારકોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો.
વાસણારોડ ફાયર બ્રિગેડની દિવાલ પાસે બાઇક પર બેઠક જમાવીને જાહેરમાં ગાંજાની પડીકીઓનું વેચાણ થઇ રહ્યું હોવાથી એસઓજીએ વિજય બોઘાભાઇ મારુ અને આકાશ મહેશભાઇ માછીને ઝડપી પાડી ૧૫૮ ગ્રામ ગાંજો,રોકડ અને બાઇક કબજે કર્યા હતા.
પોલીસની તપાસમાં ગાંજાનો જથ્થો તાંદલજાના રોશન ફ્લેટમાં રહેતા ફૈસલ અબ્બાસભાઇ પટેલે સપ્લાય કર્યો હોવાની માહિતી ખૂલતાં પોલીસે તેના પર વોચ રાખી હતી.આરોપી તેને ઘેર આવતાં જ પોલીસે દબોચી લીધો હતો.
પોલીસે ફૈસલના બે મોબાઇલ કબજે કર્યા છે.જેના પરથી તે કોના સંપર્કમાં રહેતો હતો અને કોની પાસે ગાંજો મંગાવતો હતો તે જાણી શકાશે.આ ઉપરાંત આરોપીઓના મોબાઇલની કોલ્સ ડીટેલ અને પૂછપરછ પરથી નિયમિત ગાંજો લેવા આવતા ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી રહી છે.ફૈઝલ દ્વારા બંને કેરિયરને રોજના રૃ.૩૦૦ ચૂકવવામાં આવતા હોવાની પણ વિગતો ખૂલી છે.