(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સૌથી વધારે
૨૨૪૩ કરોડ રૃપિયાથી વધુનું ડોનેશન મળ્યું છે જે રાષ્ટ્રીય રાજકીય પક્ષામાં સૌથી
વધારે છે. ચૂંટણીથી સંબધિત સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ
પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી છે.
આ રિપોર્ટ ચૂંટણી પંચને આપવામાં આવેલા આંકડાઓ પર આધારિત છે.
આ આંકડાઓમાં ૨૦,૦૦૦થી
વધુ રૃપિયાના રાજકીય ડોનેશન અંગે માહિતી આપવામાં આવી છે.
રાજકીય પક્ષોને પ્રાપ્ત કુલ જાહેર કરેલ ડોનેશનની રકમ
૨૫૪૪.૨૮ કરોડ રૃપિયા છે. જે ૧૨,૫૪૭
દાતાઓ પાસેથી પ્રાપ્ત થયું છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં ૧૯૯ ટકા વધારે છે.
ભાજપને રાજકીય પક્ષોને મળેલ કુલ ડોનેશનના ૮૮ ટકા રકમ મળી
છે. કોંગ્રેસ ૨૮૧.૪૮ કરોડ રૃપિયાના ડોનેશન સાથે બીજા ક્રમે છે. કોંગ્રેસને
ડોનેશનની આ રકમ ૧૯૯૪ દાતાઓ પાસેથી પ્રાપ્ત
થઇ છે.
ભાજપને ૨૦૨૨-૨૩માં ૭૧૯.૮૫૮ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું
હતું. જ્યારે ૨૦૨૩-૨૪માં આ રકમ ૨૨૪૩.૯૪ કરોડ રૃપિયા છે. આમ ૨૦૨૨-૨૩ની સરખામણીમાં
૨૦૨૩-૨૪માં ભાજપને મળેલ ડોનેશનની રકમમાં ૨૧૧.૭૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
કોંગ્રેસને ૨૦૨૨-૨૩માં ૭૯.૯૨૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું
હતું. જ્યારે ૨૦૨૩-૨૪માં આ રકમ ૨૮૧.૪૮ કરોડ રૃપિયા છે. આમ ૨૦૨૨-૨૩ની સરખામણીમાં
૨૦૨૩-૨૪માં કોંગ્રેસને મળેલ ડોનેશનની રકમમાં ૨૫૨.૧૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
આમ આદમી પાર્ટી (આપ),
ભારતીય કોમ્યુનિસ્ટ પાટી(સીપીઆઇ-એમ) અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનઇપી)એ ઓછી
રકમની માહિતી આપી છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી (બસપા)એ ફરી એક વખત ૨૦,૦૦૦ રૃપિયાની
મર્યાદાથી ઉપર શૂન્ય ડોનેશનની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટી અને એનપીઇપી બંને પક્ષોના ડોનેશનમાં એક
વર્ષના અંતરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આપએ જાહેર કરેલા ડોનેશનમાં એક વર્ષમાં
૭૦.૧૮ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે એનપીઇપીના દાનમાં ૯૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ
આદમી પાર્ટીને ચાલુ વર્ષે ૧૧.૦૬૨ કરોડનું જ ડોનેશન પ્રાપ્ત થયું છે. રાષ્ટ્રીય
પક્ષોને દિલ્હીમાંથી કુલ ૯૮૯ કરોડ રૃપિયા અને ગુજરાતમાંથી ૪૦૪ કરોડ રૃપિયા અને
મહારાષ્ટ્રમાંથી ૩૩૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું છે.