– 10 વર્ષ થવા છતાં પોશ વિસ્તારમાં ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડનો અભાવ
– વારંવાર ખાળકૂવા ભરાતા સ્થાનિકોની હાલત કફોડી : ગટર લાઈન પહેલા મનપા દ્વારા નવા રોડ બનાવવાનું શરૂ કરાતા ભવિષ્યમાં તોડવા પડે તેવી સ્થિતિ
આણંદ : આણંદમાં વિદ્યાનગર રોડ પર આવેલા પોશ ગણાતા ટીપી-૧૦ વિસ્તારમાં ૫૦ ટકા મકાનોમાં ૧૦ વર્ષથી ગટરની સુવિધાથી વંચિત છે. અડધો અડધ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અભાવે સાંજ પછી અંધારપટ છવાઈ જાય છે. વારંવાર ખાળકુવા ભરાઈ જવાથી સોસાયટીઓના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ગટર લાઈન પહેલા જ મનપા તંત્રએ નવા રોડ બનાવવાનું શરૂ કરી દેતા ભવિષ્યમાં રોડ તોડવા પડે તેવી પણ સંભાવનાઓ પ્રબળ બની છે.
આણંદમાં અમીન ઓટો પાસેથી વિદ્યાનગર રોડ, ઓમકારેશ્વર મંદિર અને અક્ષર ફાર્મના પાછળનો વિસ્તાર મનપાનો ટીપી-૧૦માં ગણાય છે. ટીપી-૧૦ વિસ્તાર આણંદનો પોશ અને વિકસિત વિસ્તાર છે. પરંતુ, આ વિસ્તારમાં ૫૦ ટકાથી વધુ રહેણાંક સોસાયટીઓમાં ગટરની સુવિધા નહીં હોવાના કારણે માત્ર ખાળકુવા ઉપર આધાર રાખવો પડી રહ્યો છે. જ્યારે ટીપી-૧૦ વિસ્તારમાં હજૂ સ્ટ્રીટ લાઈટની પણ સુવિધાઓ મનપા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી નથી. અંદાજે ૧૦ વર્ષ અગાઉ તત્કાલિન કલેક્ટર ધવલ પટેલ દ્વારા ટીપી-૧૦નું પજેશન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ હજૂ સુધી ટીપી-૧૦ના અડધા વિસ્તારમાં ગટરો, સ્ટ્રીટલાઈટની સુવિધા પાલિકા કે મહાનગરપાલિકા તંત્ર આપી શક્યું નથી.
ટીપી-૧૦ના મોટા ભાગના વિસ્તારમાં રાતે અંધારપટ છવાયેલો રહેતા ભયનો માહોલ જોવા મળે છે. ગટર કનેક્શન ન હોવાથી ખાળકુવા ભરાઈ જતા મોટા ખર્ચે અને ભારે જહેમત બાદ ખાલી કરાવવાની ફરજ પડે છે. ટીપી-૧૦ના વિવિધ વિસ્તારમાં નવા રોડ બનાવવાનું કામ શરૂ છે. ત્યારે ભવિષ્યમાં ગટર લાઈન આવશે તો નવા રોડ તોડવાની નોબત પણ આવશે.
ગટરો, સ્ટ્રીટ લાઈટના અભાવે ટીપી-૧૦ પોશ વિસ્તાર હોવા છતાં વિકાસથી વંચિત રહી ગયો હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે.
ફેઝ-૨ હેઠળ ગટર લાઈનનું કામ શરૂ કરાયું છે : ડેપ્યુટી કમિશનર
આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, ટીપી-૧૦ વિસ્તારમાં ફેઝ-૨ યોજના હેઠળ ગટર લાઈનનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે. જેથી તમામ સોસાયટીઓને વહેલી તકે ગટર સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. નવા રોડ બનાવવાના કામમાં ડ્રેનેજનું ક્રોસિંગ રાખવામાં આવનાર હોવાથી રોડ પણ તોડવા નહીં પડે. ટીપી-૧૦માં ગટરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.