– લાઠીદડના યુવાને બાઈકચાલક પાસે લિફ્ટ આપી હતી
– બન્ને યુવાન બાઈક પર સાળંગપુરથી લાઠીદડ જતા હતા ત્યારે લાઢીદડ નજીક અકસ્માત સજાર્યો
ભાવનગર : બોટાદના લાઠીદડ નજીક સર્જાયેલાં વાહન અકસ્માતમાં કાર અને બાઈક અથડાતાં બાઇક સવાર બે વ્યકિતને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લિફ્ટ માંગી બાઈકમાં બેસનાર લાઠીદડના યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, મૂળ ધંધૂકાના અડતાળાના વતની અને હાલ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા ભરતભાઈ ધુડાભાઈ સારોલા નૈવેધની કામગીરી પૂર્ણ કરી સાળંગપુર રોડ પર વાહનોની રાહ જોતા હતા. તે દરમિયાન બોટાદના નવી સરવાઈ ગામે રહેતા અનીલભાઈ ભીમભાઈ ધાધલ પોતાનું મોટરસાયકલ નંબર જીજે.૩૩.ઈ.૮૯૭૯ લઈને પસાર થતા હતા. તેમની પાસે ભરતભાઈએ લિફ્ટ માંગી હતી અને બાઈકચાલકે લિફ્ટ આપતાં મોટરસાયકલ પાછળ સવાર થયા હતા અને લાઠીદડ નજીક પહોંચ્યા હતા. તેવામાં સામેથી આવતી કાર નંબર જીજે.૦૩.એનબી.૮૦૫૫ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈકસવાર બન્નેને ઇજા પહોંચી હતી અને બન્નેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઈક પર લિફ્ટ માંગનાર ભરતભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે જયદીપભાઈ ભીમાભાઇ ધાંધલએ કારચાલક વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.