અમદાવાદ,સોમવાર,7
એપ્રિલ,2025
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા
સોસાયટીમાં આવેલા જગદીશ મેઘાણીના બંગલામાં એરકન્ડીશન ગેસની બોટલો એકાએક ધડાકાભેર
બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. આ આગકાંડમાં બે લોકોનાં મોત થયા છે.મ્યુનિસિપલ
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારીના કારણે આગકાંડ થયો હતો. સોસાયટીના ચેરમેન,સેક્રેટરીએ
મ્યુનિ.તંત્રને લેખિત જાણ કરી હતી. આમછતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓએ રજૂઆતને
ગંભીરતાથી લીધી નહોતી. મ્યુનિ.તંત્રે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ
ટી.ડી.ઓ.તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ દાફડા,
વેજલપુર વોર્ડના એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સપેકટર રાજેશ જીવાણી અને સબ
ઈન્સપેકટર નિકુંજ પરમારને શોકોઝ નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો માંગ્યો છે.
આગકાંડની ઘટના પછી સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહયો છે. એસ્ટેટ વિભાગના જવાબદાર
અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ પ્રબળ બની રહી છે.
૬ એપ્રિલને
રવિવારે જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી
જ્ઞાાનદા સોસાયટીમાં એ.સી.ની સર્વિસ કરવાના સ્ટોરેજ કરવામાં આવેલા મકાનમાં ભીષણ આગ
લાગી હતી.આ ઘટનામાં માતા અને પુત્ર બંનેના મોત થયા હતા.સોસાયટીના ચેરમેન,સેક્રેટરી દ્વારા
મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ
મામલે પત્ર લખી જાણ કરી હતી.પત્રમાં બંગલા નંબર-૨૪મા રહેતા જગદીશભાઈ મેઘાણી દ્વારા
તેમના મકાનમાં એ.સી.ના રો મટીરીયલનો સામાન મુકી ગોડાઉન તરીકે ઉપયોગ કરવામા આવતો
હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ પત્ર
દક્ષિણ-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગને મોકલી અપાયો હતો.આમ છતાં એસ્ટેટ વિભાગ
તરફથી કોઈ કાર્યવાહી કરવામા આવી નહતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગના આ ત્રણ અધિકારીઓને સાત દિવસમાં ખુલાસો કરવા નોટિસ
આપી છે.
સોમવારે પરોઢના સમયે ફરીથી આગ લાગી હતી
જ્ઞાાનદા સોસાયટીના જે મકાનમાં આગ લાગી હતી એ મકાનમાં
સોમવારે પરોઢના ૨.૪૫ કલાકના સુમારે ફરીથી આગ લાગતા રહીશોએ પોલીસ અને ફાયર વિભાગને
જાણ કરી હતી.ફાયર વિભાગે એક વોટર ટેન્કર અને એક ફાયર ફાઈટરની મદદથી આગ હોલવી
હતી.સોમવારે વહેલી સવારે ફરીથી લાગેલી આગમાં ચાર ફોર વ્હીલર અને બે ટુ વ્હીલર
બળીને ખાખ થઈ ગયા હતા.
નિકોલની રહેણાંક સોસાયટીમાંથી કેટરર્સના ૫૫ ગેસ સિલિન્ડર ગોડાઉનમાં મોકલાયા
અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં
આવેલી જ્ઞાનદા સોસાયટીના બંગલામાં રવિવારે આગકાંડ થયો હતો. આ ઘટનાના ગણતરીના કલાકો
પછી નિકોલની એક રહેણાંક સોસાયટીમા કેટરર્સ દ્વારા રાખવામાં આવેલા ૫૫ જેટલા
એલ.પી.જી.સિલિન્ડર ફાયર અધિકારીએ કઠવાડા
ખાતે આવેલા તેના ગોડાઉનમાં મોકલવાની ફરજ પાડી હતી.
નિકોલ વિસ્તારમાં કલ્યાણ ચોકની બાજુમાં શિલ્પ-વન નામની
સોસાયટી આવેલી છે. આ સોસાયટીની ખુલ્લી જગ્યામાં કેટરર્સ દ્વારા રાખવામાં આવેલા
સિલન્ડર જોખમી હાલતમાં જોવા મળતા ફાયર ઓફિસર સ્વરુપદાન ગઢવીએ તમામ સિલિન્ડર તેના
ગોડાઉનમાં લઈ જવા તાકીદ કરી હતી. ફાયર ઓફિસરના કહેવા મુજબ, આ તમામ સિલિન્ડર
બાલાજી કેટરર્સના હતા.જે તેમના ગોડાઉનમાં મોકલવામા આવ્યા હતા.