– વિદેશી રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની ખરીદી
– સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 3940 પોઇન્ટ તૂટયા બાદ અંતે 2227 જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે 1160 પોઇન્ટ તૂટયા બાદ અંતે 743 પોઇન્ટ ગબડયો
– સ્મોલ મિડ-કેપ અને હેવી વેઇટ શેરોમાં ચોમેરથી વેચવાલીનું દબાણ
અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ટેરિફના અમલની જાહેરાત કર્યા બાદ વળતા જવાબમાં ચીન અને કેનેડાએ વળતા ટેરિફ લાદવાની જાહેરાત કરતા વિશ્વ સ્તરે વેપાર-યુદ્ધ ઉગ્ર બનવાના અને ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ રહેવાના અહેવાલો પાછળ આજે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં ગાબડાં નોંધાયા હતાં. જેમાં આજે મુંબઈ શેરબજાર અને એનએસઇ ખાતે કામકાજના પૂરા સત્ર દરમ્યાન ભારે ઉથલપાથલના અંતે બંને ઇન્ડેક્સમાં પ્રચંડ કડાકા નોંધાયા હતા. સેન્સેક્સના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ ૧૪ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
ટેરિફના અહેવાલો પાછળ આજે એશિયાઈ શેરબજારોમાં ઝડપી ગાબડા બાદ ભારતીય શેરબજારમાં કામકાજનો પ્રારંભ પ્રચંડ કડાકા સાથે થવા પામ્યો હતો. જેમાં શેરોની જાતેજાતમાં ઝડપી પીછેહઠ થવા પામી હતી. આજે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે એક તબક્કે તૂટી ૩૯૪૦ ના કડાકા સાથે ૭૧૪૨૫ના તળિયે ઉતરી આવ્યો હતો બીજી તરફ નિફ્ટી ૧૧૬૦ પોઇન્ટ તૂટીને ૨૧૭૪૩ની દસ મહિનાની નીચી સપાટીએ પટકાયો હતો.
જો કે, બજારમાં ઘટયા મથાળે ફંડોની નવી લેવાલી પાછળ બજાર રિકવર થવા પામ્યું હતું અને અગાઉ ગુમાવેલી સપાટીઓ પરત હાંસલ કરી હતી. જો કે, આમ છતાં ય કામકાજના અંતે સેન્સેક્સ ૨૨૨૬.૭૯ પોઇન્ટ તૂટીને ૭૩૧૭૩.૯૦ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૪૨.૮૫ પોઇન્ટ તૂટીને ૨૨૧૬૧.૬૦ની સપાટીએ નરમ રહ્યો હતો.
સેન્સેકસના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૧૪.૦૯ લાખ કરોડ ધોવાઈને રૂ. ૩૮૯.૨૫ લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારોએ રૂ. ૯૪૪૦ કરોડની વેચવાલી હાથ ધરી હતી એની સામે સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૧૨,૧૨૨ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી. આજે સ્મોલ કેપ, મિડ કેપ તેમજ હેવી વેઇટ શેરોમાં મોટા પાયે વેચવાલી નીકળતા બીએસઇમાં ટ્રેડ થયેલા કુલ ૪૨૨૫ શેરોમાંથી ૩૫૧૫ શેરો નેગેટિવ બંધ રહ્યા હતા.
સેન્સેકસના મોટા કડાકા
તારીખ |
ગાબડું |
– |
(પોઇન્ટમાં) |
૪ જૂન, ૨૦૨૪ |
૪૩૯૦ |
૨૩ માર્ચ, ૨૦૨૦ |
૩૯૪૩ |
૧૨ માર્ચ, ૨૦૨૦ |
૨૯૧૯ |
૧૬ માર્ચ, ૨૦૨૦ |
૨૭૧૩ |
૨૪ ફેબુ્ર. ૨૦૨૨ |
૨૭૦૨ |
૭ એપ્રિલ, ૨૦૨૫ |
૨૨૨૭ |
રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ
તારીખ |
ધોવાણ |
– |
(રૂ. લાખ કરોડમાં) |
૪ જૂન, ૨૦૨૪ |
૩૧.૦૮ |
૨૭ જાન્યુ., ૨૦૨૫ |
૧૪.૩૯ |
૭ એપ્રિલ, ૨૦૨૫ |
૧૪.૧૦ |
૬ જાન્યુ., ૨૦૨૫ |
૧૧.૦૦ |