![]()
– ગાંધી મેદાનમાં 10 વર્ષ પછી કાલે નીતિશ સરકારના શપથ
– નીતિશ કુમારના જદયુની 25થી વધુ બેઠક આવશે તો રાજકારણ છોડી દઈશ કહેનારા પ્રશાંત કિશોરે યુ-ટર્ન લીધો
પટના : બિહારમાં એનડીએ સરકારની રચનાની તૈયારી અંતિમ તબક્કામાં છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું આપશે. ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ૧૦ વર્ષ પછી નીતિશ સરકારનો શપથ સમારંભ યોજાશે. બીજીબાજુ બિહારમાં પરિવર્તનનો દાવો કરતા ચૂંટણી મેદાનમાં ઝુકાવનારા પ્રશાંત કિશોરે એનડીએ પર રૂપિયા આપીને વોટ ખરીદવાનો આક્ષેપ મૂક્યો હતો. વધુમાં ચૂંટણીમાં પ્રશાંત કિશોરે જન સુરાજના પરાજયની જવાબદારી પોતાના માથે ઉઠાવી હતી.
બિહારમાં બુધવારે સવારે ભાજપના ધારાસભ્ય પક્ષની પ્રદેશ મુખ્યાલયમાં અને જદયુના ધારાસભ્ય પક્ષની મુખ્યમંત્રી આવાસ પર બેઠક યોજાશે. ત્યાર પછી વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં બપોરે એનડીએના ધારાસભ્ય પક્ષની બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારની એનડીએ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદગી કરાશે.
નીતિશ કુમાર રાજ ભવન જઈને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું આપશે. આ સાથે તેઓ એનડીએના સાથી પક્ષોનો સમર્થન પત્ર આપશે. નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારંભ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે. આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. નીતિશ કુમાર ગુરુવારે ૧૦મી વખત મુખ્યમંત્રીપદના શપથ લેશે. નીતિશ કુમાર પહેલી વખત ૨૦૦૦માં બિહારના મુખ્યમંત્રી બન્યા હતા.
દરમિયાન ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરે તેમના જન સુરાજ પક્ષના અપેક્ષા કરતાં વધુ ખરાબ પ્રદર્શન માટેની જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયાના પાંચ દિવસ પછી મીડિયા સામે આવેલા પ્રશાંત કિશોરે કહ્યું કે, અમે ખૂબ જ પ્રમાણિક્તાથી પ્રયત્નો કર્યા હતા, પરંતુ અમને સફળતા મળી નહીં. વ્યવસ્થા પરિવર્તનની વાત તો દૂર રહી અમે સત્તા પરિવર્તન પણ કરી શક્યા નહીં. જનતાનો વિશ્વાસ નહીં જીતી શકવા બદલ હું પ્રાયશ્ચિતરૂપે બે દિવસ પછી ભીતહરવા આશ્રમમાં એક દિવસનો મૌન ઉપવાસ કરીશ.
આ ચૂંટણીમાં જદયુની ૨૫થી વધુ બેઠકો આવશે તો રાજકારણમાંથી સન્યાસ લેવાના નિવેદનમાં પ્રશાંત કિશોરે યુ-ટર્ન લીધો હતો. પ્રશાંત કિશોરે અનેક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, જદયુને ૨૫થી વધુ બેઠકો આવશે તો તેઓ રાજકારણ છોડી દેશે. પરંતુ આ ચૂંટણીમાં જદયુને ૮૫ બેઠકો આવી છે. આ અંગે સવાલ કરાતા પ્રશાંત કિશોરે કહ્યું કે, મેં ક્યારેય એવું કહ્યું નહોતું કે હું બિહાર છોડી દઈશ. વધુમાં તેમણે નીતિશ કુમાર અને એનડીએ પર રૂપિયા આપીને વોટ ખરીદવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ચૂંટણી પહેલાં મહિલાઓને અપાયેલા ૧૦ હજારના કારણે એનડીએને વોટ મળ્યાનો દાવો કર્યો હતો.










