વડોદરાઃ શહેરમાં હીટવેવના કારણે બે દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીની ઉપર જઈ રહ્યો છે.સાંજના સમયે પણ ઘરોની દિવાલો તેમજ રસ્તાઓ તપતા હોવાથી ગરમી ઓછી થતી હોય તેમ લાગતું નથી.શહેરના વીજ વપરાશ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.
છેલ્લા બે દિવસથી વડોદરા શહેરની રાત્રી દરમિયાનની વીજ માગમાં ૪૦ મેગાવોટનો વધારો નોંધાયો છે.હીટવેવ પહેલા રાત્રીના સમયની વીજ માગ ૩૭૦ મેગાવોટ હતી.જે બે દિવસથી ૪૧૦ મેગાવોટ પર પહોંચી છે.એમજીવીસીએલની કુલ વીજ માગમાં પણ વધારો જોવા મળ્યો છે.રાત્રી દરમિયા એમજીવીસીએલની કુલ વીજ માગ ૨૧૦૦ મેગાવોટથી વધીને ૨૪૦૦ મેગાવોટ પર પહોંચી છે.
વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે ગરમીના કારણે રાત્રે લગભગ તમામ એસી ચાલતા હોય છે અને તેના કારણે વીજ માગ વધી રહી છે.ગત વર્ષે પણ રાત્રીના સમય દરમિયાન વીજ માગ વધવાના કારણે વડોદરા શહેરમાં અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં વીજ લાઈનો પર પુરવઠો ખોરવાઈ જવાની સતત ફરિયાદો ઉઠી હતી.આ વખતે આ સ્થિતિ ના સર્જાય તે માટે વીજ કંપની દ્વારા વીજ લાઈનોનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે.ઉપરાંત વર્તમાન ફીડરો પરનો ભાર ઓછો કરવા માટે વડસર વિસ્તારમાં ત્રણ નવા ફીડર ઉભા કરવામાં આવ્યા છે.સયાજીપુરામાં પાંચ નવા ફીડરો અને વાસણા વિસ્તારમાં એક નવું ફીડર ઉભું કરવાની કાર્યવાહી ચાલી રહી છે.સામાન્ય રીતે એક ફીડર પરથી ૫૦૦૦ ગ્રાહકોને જોડાણ આપવામાં આવતા હોય છે.