– વધુ સુવિધા આપવાના બદલે હયાત સુવિધા બંધ કરાતા રોષ
– પૂરતો ટ્રાફિક અને આવક ધરાવતી બસ બંધ કરાતા લાભાર્થી ગામોના મુસાફરો આક્રમક મૂડમાં
રાજુલા : એસ.ટી.તંત્રના સત્તાધીશો દ્વારા જાફરાબાદ પંથકને વધુ એસ.ટી.બસની સેવા આપવામાં લાંબા સમયથી ઠાગા-ઠૈયા કરવામાં આવી રહ્યા છે.છેલ્લા ઘણા સમયથી વેરાવળ ડેપો મેનેજર દ્વારા જાફરાબાદ રૂટ પર ચાલતી લોકલ વેરાવળથી જાફરાબાદ રૂટની બસ એકાએક કોઈ અકળ કારણસર કલમના એક ઝાટકે બંધ કરી દેવામાં આવતા લાભાર્થી રૂટના મુસાફરો હેરાનગતિ ભોગવી રહ્યા છે.
એસ.ટી.તંત્ર દ્વારા જાફરાબાદ પંથકના મુસાફરોને વધુ સુવિધાઓ આપવાના બદલે હયાત સુવિધાઓ આંચકી લેવામાં આવી રહી છે. આ ગંભીર બાબતે સ્થાનિકો દ્વારા રજુઆત કરાતા ડેપો મેનેજર દ્વારા હાલ ડ્રાઈવર ન હોવાના કારણે આ બસ ચાલુ થઈ શકે તેમ નથી એવા મનસ્વી જવાબો અપાઈ રહ્યા છે. એસ.ટી.તંત્રને પૂરતા મુસાફરો પણ મળી રહેતા હોવા છતા આ બસ બંધ કરાતા મુસાફરોને ખાનગી વાહનોમાં ઉંચા ભાડા ખર્ચીને મુસાફરી કરવાનો વખત આવ્યો છે અને એસ.ટી.તંત્ર મોટી આવક ગુમાવી રહ્યુ છે આ બાબતે તંત્ર વહેલી તકે ઘટતી કાર્યવાહી નહિ કરે તો મુસાફરોને ગાંધી ચિંન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ સ્થાનિક આગેવાનોએ ચિમકી ઉચ્ચારી છે.