– આંકલાવ તાલુકાના અંબા કુઈ સીમમાં ગમખ્વાર અકસ્માત
– પાદરા તાલુકાના મુંજપુર ગામના યુવાનો આણંદના મોટી સંખ્યાડ ગામમાં માતાજીના ધાર્મિક પ્રસંગમાં આવતા હતા : ત્રણે યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ : ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ
આણંદ : આંકલાવ તાલુકાના ચમારાથી બામણા ગામ જવાના માર્ગ ઉપર અંબા કુઈ સીમ વિસ્તારમાં પૂરઝડપે જતા ટ્રેક્ટરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતું બાઈક ટ્રોલીમાં ઘૂસી ગયું હતું. અકસ્માતમાં બાઈક ઉપર સવાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુર ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ જિલ્લાના મોટી સંખ્યાડ ગામે ગઈકાલ રાત્રિના સુમારે માતાજીના ધામક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધામક પ્રસંગમાં હાજરી આપવા માટે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુર ગામેથી મનહરભાઈ પરેશભાઈ પરમાર, રણજીતભાઈ કૌશિકભાઈ પઢીયાર અને નરેશભાઈ તખતસિંહ પઢિયાર નામના ત્રણ યુવકો એક મોટરસાયકલ ઉપર મોટી સંખ્યાડ ગામે આવવા નીકળ્યા હતા. રાતે ૧૦ વાગ્યાની આસપાસ આંકલાવ તાલુકાના ચમારાથી બામણ ગામ તરફ જવાના માર્ગ ઉપર આવેલા અંબા કુઈ સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આગળ જઈ રહેલા ટ્રેક્ટરના ચાલકે અચાનક બ્રેક મારતા મોટરસાયકલ ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું.
અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર મહેશભાઈ, રણજીતભાઈ અને નરેશકુમારને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહી લુહાણ થઈ જવા પામ્યા હતા. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
જોકે ૧૦૮ની ટીમે ત્રણેય યુવકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે કૌશિકભાઇ પઢીયારની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.