– પોલીસ તપાસમાં રિકવર થયેલા હીરા હલકી કક્ષાના હોવાની ફરિયાદ બાદ હવે સાચા હીરાની શોધ
– પોલીસ તપાસમાં બન્ને વેપારી પાસે અસલી હીરા હોવાની શંકાના આધારે અટકાયત કરાતાં પ્રકરણમાં યુ-ટર્નઃ આજે નવા રહસ્ટસ્ફોટ થવાના ભણકારા
ભાવનગર : ભાવનગરમાં અંદાજે બે માસ પૂર્વે નોંધાયેલી હીરાની કરોડોની ઠગાઈ પ્રકરણના આરોપી પાસેથી કબ્જે લેવાયેલાં હીરા હલકી કક્ષાના હોવાના ફરિયાદીના આક્ષેપ બાદ આજે પોલીસે આ મામલે ઠગાઈનો ભોગ બનેલાં ખુદ ફરિયાદી સહિત બે વેપારી પાસે જ અસલી હીરા હોવાની શંકાના આધારે બન્નેની અટકાયત કરતાં સમગ્ર મામલામાં યુ-ટર્ન આવવાની સાથે વિવાદ છંછેડાયો છે. પોલીસની આ કાર્યવાહીના પગલે ભાવનગર ડાયમંડ એસો.ના નેતૃત્વમાં ૧૦૦થી વધુ વેપારીઓએ આજે સાંજે એકાકએક રેન્જ આઈજી કચેરીનો ઘેરાવ કર્યો હતો. જો કે, આ ઘેરાવ વચ્ચે પોલીસે મોડીરાત્રે બન્ને વેપારીની અટક કરી લેતાં ભાવનગર ડાયમંડ એસો. તથા રેન્જ આઈજી કચેરી રીસસર આમને-સામને આવી ગયા છે.આ મામલે આવતીકાલ બુધવારે પણ નવા રહસ્યસ્ફોટ થવાના ભણકારાં વર્તાઈ રહ્યા છે.
ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરતના હીરા બજારમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટનાની વિગત એવી છે કે, ભાવનગરમાં હીરાના અલગ-અલગ વેપારી પાસેથી રમેશ વલ્લ્ભભાઈ પટેલ ઉર્ફે આર.વી. નામના શખ્સે ઉંચા વળતરની લાલચ આપી કરોડોના હીરા મેળવી ઊડાન છૂ થઈ ગયો હતો. આ પ્રકરણે તેની વિરૂદ્ધમાં ગત તા.૭ ફેબુ્ર.એ નિલમબાગ પોલીસ સ્ટે.માં બે તથા બોરતળાવ પોલીસ મથકમાં પણ છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. તદુપરાંત પાલીતાણા પોલીસ મથકમાં આ જ આરોપી વિરૂધ્ધ ગત તા.૧૦ ફેબ્રુ.એ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટે.માં પણ ઠગાઈની વધુ એક ફરિયાદ થતાં આ ઠગબાજ સામે ફરિયાદનો આંક વધીને ચાર થયો હતો. ચાર-ચાર ફરિયાદના પગલે ભાવનગર એલસીબીએ ગણતરીના દિવસોમાં પણ ઠગાઈ આચરી ફરાર થયેલાં આરોપી રમેશ વલ્લ્ભભાઈ પટેલ ઉર્ફે આર.વી.ને ઝડપી લીધો હતો અને ક્રમશઃ અલગ-અલગ ડિવિઝનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે કબજો મેળવી, હીરા રિકવર કર્યા હતા. અને આરોપી પાસેથી ક્બ્જે લેવાયેલાં હીરા વેપારીઓને બતાવી ખરાઇ પણ કરાવી હતી.આ પણ અધુરૂં હોય તેમ પોલીસ દ્વારા કરાયેલાં પંચનામા સમયે હીરાના અગ્રણી વેપારી પણ હાજર રહ્યા હતા. અને કોર્ટ મારફત હીરા પરત આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
દરમિયાનમાં નિલમબાગ પોલીસ મથકમાં બે પૈકી એક પોલીસ ફરિયાદના ફરિયાદી શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડાએ તેમના હીરા બદલાઈ ગયા હોવાનું અને હાલના હીરા હલકી કક્ષાના હોવાની ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારને ચોંકાવનારી ફરિયાદ કરી હતી.જેના પગલે ખુદ રેન્જ આઈજી સહિત ભાવનગરના પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી હતી. બનાવની ગંભીરતાને લઈ રેન્જ આઇજીએ અમરેલીના ડીવાયએસપી રાઠોડને તપાસ સોંપી હતી. જેના પગલે ડીવાયએસપીએ નિલમબાગ, બોરતળાવ અને પાલીતાણા પોલીસ તેમજ ફરિયાદી એવા હીરાના વેપારીઓના પણ નિવેદનો નોંધ્યા હતા.આ તપાસ અને નિવેદન વચ્ચે આજે બપોર બાદ પોલીસે આ પ્રકરણમાં ફરિયાદી અને ભાવનગરના હીરાના નામી વેપારી શૈલેષભાઈ ભગવાનભાઈ ડોડા અને હર્ષદભાઈ અવૈયા પાસે અસલી હીરા હોવાની શંકાના આધારે તપાસના કામે બન્નેને ઉઠાવી લેતાં મામલો ગરમાયો હતો, બીજી તરફ બનાવના પગલે સાંજે ભાવનગર ડાયમંડ એસો.ના નેતૃત્વમાં ૧૦૦થી વધુ વેપારીઓ, દલાલ સહિતનું વિશાળ ટોળું વેપારીઓને મુક્ત કરવાની માંગ સાથે આઈજી કચેરીએ ધસી ગયું હતું. અને કચેરીનો ઘેરાવ કર્યો હતો. જો કે, સતત ચારેક કલાક સુધી ચાલેલાં આ હાઈ-વોલ્ટેજ ડ્રામના અંતે મોડીરાતે હીરા વેપારીઓના વિરોધ વચ્ચે પોલીસે બન્ને વેપારીઓની અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અટક કરી હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું. જો કે, આ મામલે આવતીકાલ બુધવારે મામલો વધુ ગરમાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
આઈજીએ વેપારીઓ પાસે અસલ હીરા રજૂ કરવા માંગ કરી : ડાયમંડ એસો. પ્રમુખ
હીરાની ઠગાઈનો ભોગ બનેલાં હીરાના બન્ને વેપારીઓની પોલીસે ગુનાના કામે અટક કરતાં મામલો ગરમાયો છે. આ અંગે ભાવનગર ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે, આ સમગ્ર મામલે સાંજના સમયે ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદાર તથા વેપારીઓ સાથે રેન્જ આઇજી ગૌતમ પરમારે બેઠક યોજી હતી અને હીરાના વેપારીઓ પાસે જ અસલ હીરા હોવાનો દાવો કરી તેમને અસલ હીરા પોલીસ સમક્ષ રજૂ કરવા બેઠકમાં હાજર અન્ય હીરાના વેપારીઓને જણાવ્યું હતું. જેના જવાબમાં ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદારોએ ‘વેપારી પાસે હીરા ના હોય તો ક્યાંથી રજૂ કરે? તમે બન્ને વેપારીઓને આરોપી બનાવી દો’ તેમ જણાવ્યું હતું. જેના પગલે પોલીસે મોડીરાત્રે બન્ને વેપારીની અટક કરી હતી. આ મામલે તેમણે પોલીસની કામંગીરીને વખોડી હતી. અને તાકિદે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી ન થાય તો મુંબઈ, સુરત અમદાવાદ અને બોટાદ ડાયમંડ એસોસિએશનના સમર્થન સાથે જરૂર પડયે હીરા બજાર બંધ રાખવાની પણ તૈયારી દર્શાવી હતી.
અસલ હીરા રજૂ ન કરે તો વેપારી સામે પણ કાર્યવાહી : રેન્જ આઈજી
હીરાની ઠગાઈનો ભોગ બનનારા ભાવનગરના હીરાના બે વેપારીઓને જ ગુનાના કામે અટકમાં લેવાના મામલે ભાવનગર રેન્જ આઈજ ગૌતમ પરમારે જણાવ્યું કે, બે માસ પૂવે હીરાના વેપારીઓ સાથે થયેલી છેતરપિંડીના મામલે આરોપીને ઝડપી લઈ હીરા રિકવર કરવામાં આવ્યા હતા. પરંતુ રિકવર કરાયેલા હીરા હલકી કક્ષાના હોવાની ફરિયાદના અનુસંધાને અમરેલી ડીવાયએસપી દ્વારા ચાલી રહેલી તપાસમાં ખુદ ફરિયાદી એવા ભાવનગરના જ બે વેપારીઓ પાસે અસલ હીરા હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ ખુલ્યું છે. શંકાની ખરાઈ અર્થે પોલીસે બન્ને વેપારીની મોડીસાંજે અટક કરી છે. જો વેપારીઓ તપાસમાં સહયોગ નહીં કરે અને અસલ હીરા રજૂ નહી કરે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે અંતમાં વિગતો આપતાં જણાવ્યું હતું.