– ઉનાળાના પ્રારંભે વીજ-પાણીકાપથી લોકો ત્રાહિમામ
– આજે પણ વીજકાપના પગલે મહિલા કોલેજ ડાયમંડ ઇએસઆર આધારિત વિસ્તારમાં પાણી નહીં મળે
ભાવનગર : શહેરના કેટલાક વિસ્તારમાં આજે મંગળવારે વીજ કાપ હતો તેથી તખ્તેશ્વર ફિલ્ટર આધારિત ૧૦થી વધુ વિસ્તારને પાણી મળી શકયુ ન હતુ પરંતુ લાઈટ આવ્યા બાદ અન્ય વિસ્તારને પાણી આપવામાં આવ્યુ હતું. આવતીકાલે બુધવારે વીજ કાપના પગલે મહિલા કોલેજ ડાયમંડ ઇએસઆર આધારિત વિસ્તારમાં પાણી વિતરણ કરાશે નહીં.
ભાવનગર શહેરમાં આજે મંગળવારે કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલએ વીજ કાપ રાખ્યો હતો તેથી તખ્તેશ્વર ફિલ્ટર આધારિત વિસ્તારમાં સવારના ૧૦.૧પ કલાક સુધી પાણી અપાયુ ન હતું. ઉનાળાની ગરમીમાં વીજ કાપ અને પાણી કાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. વીજ તંત્રએ લાઈટ આપ્યા બાદ અન્ય વિસ્તારને મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે રાબેતા મુજબ પાણી આપ્યુ હતું. આવતીકાલે તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ પીજીવીસીએલએ કેટલાક વિસ્તારમાં વીજ કાપ રાખ્યો છે, જેના કારણે મહિલા કોલેજ ડાયમંડ ઈ.એસ.આર. આધારિત આનંદનગર, હુડકો, નવા ત્રણ માળિયા, જુના ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન ચોક, હરિયાળા પ્લોટ વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જો કે, લાઈટ વહેલી આવી જશે તો જે વિસ્તારનો વારો હશે તે વિસ્તારને પાણી આપવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું.
ઉનાળાની આકરી ગરમીમાં વીજ તંત્રને કારણે લોકોને પાણી મળતુ નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીના દિવસોમાં યોગ્ય વ્યવસ્થા કરવા લોકોની માંગણી ઉઠી રહી છે.