– સરકારનું નોટિફિકેશન જાહેર, વક્ફ સુધારા કાયદો અમલમાં
– વક્ફ કાયદો મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ હોવાની દલીલ સાથે સુપ્રીમમાં 10થી વધુ અરજી દાખલ
નવી દિલ્હી : વક્ફ સુધારા કાયદાનો મંગળવારથી દેશભરમાં અમલ શરૂ થઈ ગયો છે. આ બિલ ગયા સપ્તાહે જ સંસદમાંથી પસાર થયું હતું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે તેના પર હસ્તાક્ષર કર્યા હતા. બીજીબાજુ વક્ફ સુધારા કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઈ છે, જેના પર ૧૫મી એપ્રિલે સુનાવણી કરવા સીજેઆઈ સંજીવ ખન્ના સંમત થયા છે. આવા સમયે કેન્દ્ર સરકારે પણ સુપ્રીમમાં કેવીયેટ દાખલ કરી આ મુદ્દે પોતાને પહેલા સાંભળવામાં આવે તેવી અરજી કરી છે.
લઘુમતી બાબતોના મંત્રાલયે મંગળવારે એક જાહેરનામામાં જણાવ્યું છે કે વક્ફ (સુધારા) કાયદા, ૨૦૨૫ની કલમ-૧ની પેટા કલમ (૨) દ્વારા મળેલી શક્તિઓ હેઠળ કેન્દ્ર સરકાર ૮મી એપ્રિલથી આ કાયદાની જોગવાઈઓ અમલમાં આવ્યાનું જાહેર કરે છે. વક્ફ સુધારા બિલ ગયા સપ્તાહે લોકસભા અને રાજ્યસભામાં મોડી રાત સુધી ચર્ચા ચાલ્યા પછી પસાર થયું હતું. જોકે, કોંગ્રેસ, દ્રમુક સહિત વિપક્ષ અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટ વક્ફ કાયદા વિરુદ્ધ થયેલી અરજીઓ પર ૧૫ એપ્રિલે સુનાવણી કરે તેવી શક્યતા છે. વક્ફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ૧૦થી વધુ અરજીઓ દાખલ થઈ ગઈ છે અને હજુ કેટલાક પક્ષો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા અંગે વિચારી રહ્યા છે. મુસ્લીમ સંસ્થા જમીયત-ઉલેમા-એ હિન્દ તરફથી કપીલ સિબલે સુપ્રીમ કોર્ટને આ કેસમાં વહેલા સુનાવણી હાથ ધરવા વિનંતી કરી હતી. સુપ્રીમે વક્ફ કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર વહેલા સુનાવણી માટે સહમતી આપી હતી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓમાં અરજદારોએ ધાર્મિક સ્વાતંત્રતાના ભંગનો તર્ક આપતા કહ્યું કે આ કાયદો ધાર્મિક બાબતોના સંચાલનમાં સ્વતંત્રતા પર અસર કરે છે, જે બંધારણની કલમ ૨૬ હેઠળ લઘુમતી સમુદાયોને અપાઈ છે. વિશેષરૂપે વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાની જોગવાઈ અને સરકારને વક્ફ સંપત્તિઓ પર વધુ નિયંત્રણ આપવાની વ્યવસ્થાને મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારોમાં હસ્તક્ષેપ મનાય છે.
અરજીમાં દાવો કરાયો છે કે આ કાયદો સમાનતાના સિદ્ધાંતોનો ભંગ કરે છે, કારમ કે તે માત્ર મુસ્લિમ સમુદાય સંબંધિત વક્ફ સંપત્તિઓને ટાર્ગેટ કરે છે જ્યારે અન્ય ધર્મોના ટ્રસ્ટ અથવા ધાર્મિક સંસ્થાનો માટે સમાન જોગવાઈ લાગુ કરાઈ નથી. કેટલીક અરજીમાં એવો પણ સવાલ ઉઠાવાયો છે કે આ કાયદો લઘુમતી સમુદાયની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખને નબળી કરે છે.
બીજીબાજુ કેન્દ્ર સરકારે વક્ફ (સુધારા) કાયદા ૨૦૨૫ અંગે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. સરકારે આ બિલની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર એકપક્ષીય ચૂકાદો આપતા પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવા તક આપવામાં આવે અને તેને સાંભળવામાં આવે તેવી માગ કરી હતી.