– ડમ્પિંગ સાઈટે કચરાના પ્રોસેસિંગ માટે ટેક સોલ્યુશન- ગોધરાની કંપનીને કોન્ટ્રાક્ટ
– કચરાને લગતી મનપામાં મહિને 70 થી વધુ ફરિયાદો : આણંદ મનપાને ઘન કચરાના નિકાલનો ખર્ચ રૂા. 6 કરોડ અને આવક માત્ર રૂા. 16.43 લાખ : મનપાએ ખરીદેલું રૂા. 3 કરોડનું પ્રોસેસિંગ મશીન કંપનીને વાપરવા અપાશે
આણંદ : આણંદ શહેરમાંથી વર્ષે ૩૨,૮૫૦ ટન ઘન કચરો લાંભવેલના ડમ્પિંગ સ્ટેશનમાં ઠલવાઈ રહ્યો છે. ત્યારે આણંદ મનપાને કચરો ઉઘરાવી તેનો નિકાલ કરવા માટેનો ખર્ચ વર્ષે રૂા ૬ કરોડ જેટલો થશે. સામે આણંદ મહાનગરપાલિકાને રોયલ્ટીની આવક માત્ર રૂા. ૧૬.૪૩ લાખની જ થશે. મનપામાં કચરાને લગતી મહિને ૭૦થી વધુ ફરિયાદો નોંધાય છે. ત્યારે મનપાએ ખરીદેલું રૂા. ૩ કરોડનું પ્રોસેસિંગ મશીન કંપનીને વાપરવા અપાશે તેવું જાણવા મળ્યું છે.
આણંદ મહાનગરપાલિકામાં પરિવર્તિત થયા બાદ દરરોજ ભેગા કરવામાં આવતા ઘન કચરાના નિકાલ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. કચરાના નિકાલની સાથે રોયલ્ટીની આવક થાય અને કચરાના ડુંગરો ખડકાય નહીં તે અંગે આયોજન કરાયું છે. ત્યારે લાંભવેલ ડમ્પિંગ સાઈટમાં કેટલાક ઈસમો દ્વારા જેસીબીથી મોટા ખાડા બનાવીને માટે વેચવાની કામગીરી પણ કરવામાં આવી રહી હોવાની અને ડમ્પિંગનો કચરો પ્રોસેસ વિના જ મોટા ખાડાઓમાં બારોબાર ભરી દઈ માટીથી ઢાંગી દેવાતો હોવાના આક્ષેપ ઉઠયા છે.
આણંદ મનપાના સેનેટરી ઈન્સ્પેક્ટર વિભાકર રાવે જણાવ્યું હતું કે, આણંદ મનપામાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા અર્બન એન્વાયરમેન્ટ વેસ્ટ મેનેજમેન્ટ- નાગરપુરની કંપનીને વાર્ષિક રૂા. ૪.૦૫ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેમાં કચરો ઉઘરાવવાની ૪૭ ગાડીઓ અને ૧૦૦થી વધુ માણસો કોન્ટ્રાક્ટમાં મૂકાયા છે. ગાડીઓમાં જીપીઆરએસ સિસ્ટમ હોવાથી શહેરની સોસાયટીઓમાંથી કેટલા વાગ્યે કચરો ઉઘરાવાયો તેનો રેકોર્ડ પણ મળે છે.
આણંદ શહેરમાંથી હાલ દૈનિક ૯૦ ટન ઘન કચરો મનપા દ્વારા ઉઘરાવાઈ રહ્યો છે. એટલે કે, શહેરમાંથી મહિને ૨૭૦૦ ટન અને વર્ષે ૩૨,૮૫૦ ટન જેટલો ઘન કચરો લાંભવેલની વેસ્ટ ડમ્પિંગ સાઈડમાં ઠલવાઈ રહ્યો છે. ડમ્પિંગ સાઈડમાંથી કચરાના પ્રોસેસિંગ માટે ૨૦૨૫-૨૬નો કોન્ટ્રાક્ટ અઠવાડિયા પહેલા જ ટેક સોલ્યુશન- ગોધરાની કંપનીને અપાયો છે. મનપા એક ટન કચરો પ્રોસેસ કરવાના ચાર્જ પેટે રૂા. ૪૭૫ કંપનીને ચૂકવશે. એટલે કે, મનપા રોજના રૂા. ૪૨,૭૫૦, મહિનાના ૧૨.૮૩ લાખ અને વર્ષના રૂા. ૧.૫૬ કરોડ કંપનીને ખર્ચ પેટે ચૂકવશે. જ્યારે પ્રતિ એક ટન રૂા. ૫૦ની રોયલ્ટી કંપની મહાનગરપાલિકાને ચૂકવવામાં આવશે. એટલે પાલિકાને વાર્ષિક રોયલ્ટીની રૂા. ૧૬.૪૩ લાખ આવક ઘન કચરામાંથી થશે.
ડમ્પિંગ સ્ટેશન પછીની જમીનમાં કેટલાક ખેડૂતો પોતાની માલિકીની જમીનમાં માટી વેચવાનું કામ કરે છે. મનપાની જમીનમાં વૉચમેન ગોઠવી તકેદારી રખાતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આણંદ મનપા પાસે કચરાના પ્રોસેસિંગ માટે રૂા. ૩ કરોડના ખર્ચે વસાવેલું એક મશીન તો છે, ત્યારે બીજું મશીન પણ ટુંક સમયમાં ખરીદવામાં આવનાર છે.
આણંદ મનપા દ્વારા ગત વર્ષોમાં કેટલો કચરો પ્રોસેસ કરવામાં આવ્યો અને કેટલી ગાસડીઓ બનાવીને વેચવામાં આવી હતી તે સંદર્ભે માહિતી મળી ન હતી.
ગામોને ડમ્પિંગ સ્ટેશને કચરો ઠાલવવા આદેશ કરાશે : ડેપ્યુટી કમિશનર
આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કચરો પ્રોસેસિંગ કરવાના સૌથી નીચા ભાવ આણંદમાં છે. નિયમો મુજબ આગામી દિવસોમાં આણંદ મનપા વિસ્તારથી ૧૦ કિ.મી. ત્રિજ્યાવાળા ગામો નાવલી, શામળખા, ચિખોદરા, વાસખિલિયા, બોરિયાવી, ખાધલી, વલાસણ, ગોપાલપુરા, વડોદ, વગાસી, મોગરી સહિત પંચાયતોને પણ કચરો લાંભવેલ ડમ્પિંગ સ્ટેશનમાં નાખવા આદેશ કરાશે. તૈયારીરૂપે તમામ પંચાયતમાં ઔઈ-રિક્ષાઓ પણ ફાળવી દેવાઈ છે.
મનપાએ ખરીદેલું રૂા. ૩ કરોડનું મશીન કંપનીને વાપરવા અપાશે
ઘન કચરાના પ્રોસેસિંગ માટે મનપાએ રૂા. ૩ કરોડના ખર્ચે વસાવેલું મશીન પ્રોસેસિંગ કરતી કંપનીને વાપરવા અપાશે. જેમાં લાઈટ બિલ સહિતનો ખર્ચ કંપની ભોગવશે. પ્રોસેસિંગ કરાયેલો તમામ ઘન કચરાને ત્રણ ભાગમાં વર્ગીકરણ કરી તેની ગાસડીઓ બનાવી જીપીસીબીને જાણ કરાયા બાદ તેમના દ્વારા કચરાનો નિકાલ કરાતો હોય છે.