નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે વિશ્વના અન્ય દેશો સાથે સમજૂતીના મૂડમાં આવ્યા હોવાના સંકેત આપી રહ્યા છે, પરંતુ ડ્રેગન ચાઈનાને હંફાવવાની જીદમાં હવે ચાઈના ૩૪ ટકા ટેરિફ પાછી નહીં ખેંચે તો વધુ ૫૦ ટકા ચાઈના પર ટેરિફ લાદવાની આપેલી ચેતવણીથી અમેરિકા અને ચાઈના વચ્ચેનું યુદ્વ આક્રમક બનવાના સંકેત છે.
ચાઈનાએ પણ અમેરિકાની ટેરિફ ચેતવણીને બ્લેકમેઈલ ગણાવીને અંત સુધી લડી લેવાનો સંકેત આપીને હવે તેની નિકાસોને ઊંચા ટેરિફની અસર ઓછી થાય એ માટે તેના ચલણ યુઆનને નબળો પડવા દઈ ૧૯ મહિનાની નીચી સપાટીએ લાવી મૂક્યો છે.
મંગળવારે ચાઈનાના પોતાના અત્યંત અંકુશ હેઠળના ચલણ યુઆનને તૂટવા દઈ ૧૯ મહિનાની નીચી સપાટીએ લાવી મૂકાયો છે. બેઈજિંગે યુનાઈટેડ સ્ટેટ્સ સાથે વધતા ટ્રેડ ટેન્શન વચ્ચે રેનમિન્બી, જેને ચાઈનીઝ યુઆન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને વધુ નીચે જવા દીધો છે. આ પગલું ચીનની ચલણ નીતિમાં પરિવર્તનનો સંકેત આપે છે.
જેનો હેતુ નિકાસકારોને વધતા ટેરિફની અસરથી બચાવવાનો છે. ચાઈનાએ આ ડિવેલ્યુશનથી દેશમાંથી મૂડી પાછી ખેંચાવાના કે નાણાકીય અસ્થિરતાના જોખમ, ચિંતાને પણ અવગણ્યા છે.
ઓનશોર યુઆન યુ.એસ. ડોલર સામે ૭.૩૪ને સ્પર્શયો છે, જે સપ્ટેમ્બર ૨૦૨૩ પછીનો સૌથી નીચો દર છે, જ્યારે વધુ મુક્ત રીતે વેપાર થતો ઓફશોર યુઆન ૭.૩૫૨ની આસપાસ રહેતો હતો. આજે દિવસના આરંભમાં પીપલ્સ બેંક ઓફ ચાઈના (પીબીઓસી)એ સત્તાવાર રેફરન્સ રેટ જેની આસપાસ બે ટકાના બેન્ડમાં વધઘટને માન્ય કરી આ રેટ ૭.૨૦૩૮ પ્રતિ ડોલર નક્કી કર્યો હતો.
સપ્ટેમ્બર ૨૦૨૩ પછી આ પહેલી વખત બન્યું છે કે, યુઆનને સત્તાવાર રીતે મનોવૈજ્ઞાાનિક રીતે મહત્વપૂર્ણ ૭.૨ સ્તરની ઉપર નક્કી કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, જો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચાઈનીઝ ચીજોની અમેરિકામાં આયાત પર વધુ ૫૦ ટકા ટેરિફ નાખવાની ધમકીમાં આગળ વધ્યા તો, એને ધ્યાનમાં લઈ બેઈજિંગ તેના વળતાં પગલાંની શરૂઆત યુઆનને નબળો પાડવાથી કરી છે. મહિનાઓ સુધી પીબીઓસીએ ચલણ સ્થિરતાને પ્રાથમિકતા આપીને યુઆનને ૭.૨ની ઉપર નબળો પડવા દેવાનો પ્રતિકાર કર્યો હતો.
પરંતુ મંગળવારનું પગલું સંભવિત નીતિગત પરિવર્તન સૂચવે છે. ટ્રેડ વોરમાં નબળો યુઆન વ્યુહાત્મક ફાયદો આપે છે. જે ડોલરની દ્રષ્ટિએ ચીની માલના ભાવ ઘટાડે છે, નિકાસને વધુ સ્પર્ધાત્મ બનાવે છે અને યુ.એસ. ટેરિફની અસરને સરભર કરવામાં મદદ કરે છે.