મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ના બે દિવસીય ચાલી રહેલી મીટિંગમાં આ વખતે વ્યાજ દર-રેપો રેટમાં ૦.૨૫ ટકા એટલે કે ૨૫ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો જાહેર થવાની શકયતા બતાવાઈ રહી છે. જો ૦.૨૫ ટકાનો ઘટાડો થશે તો આ રેપો દર ઘટીને ૬ ટકા થઈ જશે.
વિશ્લેષકોનું માનવું છે કે, આ પગલાંથી બજારોમાં હલચલ થવાની કે અફડાતફડી સર્જાવાની શકયતા ઓછી છે. કેમ કે રોકાણકારોનું ધ્યાન અત્યારે અમેરિકામાં ટ્રમ્પ સરકારની વિશ્વ વેપાર નીતિ પર હોવાથી અને અત્યારે ટ્રેડ વોરની વ્યાપક અસર પર કેન્દ્રિત છે.
એક વિશ્લેષકનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા અપેક્ષિત રેટ ઘટાડાની બજારો પર ખાસ અસર પડશે નહીં, કેમ કે અત્યારે વ્યાપક સ્તરે વૈશ્વિક ચિંતાઓ ખાસ કરીને યુ.એસ.ના નેતૃત્વમાં વધતા વેપાર તણાવના પરિણામો, રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રભુત્વ ધરાવે છે.
બજારની પ્રતિક્રિયા અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, સામાન્ય પરિસ્થિતિઓમાં રેટમાં ઘટાડો એક સકારાત્મક ટ્રીગર બની શકે એમ હતું. પરંતુ હવે બજાર યુ.એસ. ટેરિફની અનિશ્ચિતતા મામલે વધુ ચિંતિત છે. કોર્પોરેટ જગત સાવચેત બની ગયું છે. વેપાર જગતને તેમના વ્યવસાયો પર પ્રતિકૂળ અસર ન થાય એની ખાતરી કરી રહ્યા છે.
રેપો રેટમાં ઘટાડા ઉપરાંત આરબીઆઈ વધુ અનુકૂળ નીતિ અભિગમ અપનાવે તેવી અપેક્ષા છે. જો કે અહેવાલો એ પણ સૂચવે છે કે ભારતના ઓવરનાઈટ ઈન્ડેક્સ સ્વોપ (ઓઆઈએસ) દરો તેના વલણમાં મોટા ઘટાડા અથવા ફેરફારનો સંકેત આપે છે.