![]()
Central government clarification : કેન્દ્ર સરકાર આગામી શિયાળુ સ્તરમાં સંસદમાં અનેક નવા બિલ લાવી રહી છે. જેમાં બંધારણમાં પણ સંશોધન કરવાની પણ તૈયારી છે. જોકે ચંડીગઢને બંધારણના 240માં અનુચ્છેદમાં સામેલ કરવામાં આવશે તેવી અટકળો તેજ થતાં પંજાબ અને હરિયાણાનું રાજકારણ ગરમાયું હતું. વિપક્ષ દ્વારા અત્યારથી જ આ મુદ્દે ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો. જે બાદ આખરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.
ચંડીગઢમાં તંત્રની વ્યવસ્થા બદલવા મુદ્દે કોઈ પ્રસ્તાવ છે જે નહીં: ગૃહ વિભાગની સ્પષ્ટતા
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢ માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવાની પ્રક્રિયાને સરળ કરવા માટે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. પરંતુ આ પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચંડીગઢમાં શાસન કે તંત્રની વ્યવસ્થાને બદલવાનો કોઈ વિચાર નથી. ચંડીગઢ સાથે પંજાબ અને હરિયાણાના પરંપરાગત સંબંધોને પરિવર્તિત કરવાની પણ કોઈ વાત વિચારાધીન નથી. ચંડીગઢના હિતમાં જે કોઈ પણ નિર્ણય લેવાશે તે તમામ હિતધારકો સાથે ચર્ચા વિચારણા બાદ જ લેવાશે. આ વિષય પર ચિંતાની કોઈ આવશ્યકતા નથી. આગામી શિયાળુ સત્રમાં આ મુદ્દે કોઈ જ બિલ સરકાર સંસદમાં લાવવાની નથી.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આપ્યું હતું મોટું નિવેદન
નોંધનીય છે કે અનુચ્છેદ 240 હેઠળ રાષ્ટ્રપતિ અમુક કેન્દ્ર શાસિત પરદેશો જેમકે અંદામાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી, દીવ-દમણ, પોંડિચેરી માટે કાયદો બનાવી શકે છે. જ્યારે તેમની વિધાનસભા ભંગ કે પછી સસ્પેન્ડ હોય ત્યારે રાષ્ટ્રપતિ આ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે કાયદો બનાવી શકે છે. જોકે છેલ્લા બે દિવસથી એવી ચર્ચા ચાલી રહી હતી કે આ યાદીમાં ચંડીગઢને પણ સામેલ કરવામાં આવશે. જેના પર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ. ચંડીગઢને પંજાબથી અલગ કરવાના પ્રયાસ ચિંતાજનક છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું, કે ભારતીય જનતા પાર્ટી બંધારણમાં ફેરબદલ કરીને ચંડીગઢ પરથી પંજાબના અધિકાર સંપાત કરવા માંગે છે. આ પંજાબની ઓળખ અને અધિકારો પર સીધો હુમલો છે. પંજાબનો હક છીનવવાની માનસિકતા અત્યંત ખતરનાક છે. પંજાબે દેશની સુરક્ષા, અનાજ, પાણી માટે બલિદાન આપ્યું અને હવે તેનો હક છીનવાઇ રહ્યો છે. ચંડીગઢ પંજાબનું છે અને રહેશે.










