Gujarat Rain Update: ગુજરાતમાં શનિવારે (6 સપ્ટેમ્બર)થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આજે સવાર 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીના વરસાદની માહિતી આપવામાં આવી છે.
6 કલાકમાં 5 ઈંચથી વધુનો વરસાદ
હવામાન વિભાગના આંકડા અનુસાર, બનાસકાંઠા, ગાંધીનગર અને વલસાડમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લાં 6 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના સુઇગામમાં 6 કલાકમાં 5.12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગાંધીનગર અને વલસાડમાં માં 12 વાગ્યા સુધીમાં 3.23 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત
આ જિલ્લામાં 1 ઈંચથી વધુ વરસાદ
બનાસકાંઠા, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, મોરબી, સાબરકાંઠા, અમદાવાદ, નર્મદા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, આણંદ, અરવલ્લી જિલ્લામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ-ગાંધીનગરમાં શું છે સ્થિતિ?
અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો ગઈકાલ મોડી સાંજથી જ બંને મોટા શહેરોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદમાં 12 વાગ્યા સુધી 1.77 ઈંચ અને ગાંધીનગરમાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ ભારતમાલા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને બખ્ખાં, ખેડૂતોને ઠેંગો, વળતરમાં ભેદભાવ
7-8 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી
7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે 8 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટતું જોવા મળે છે. જેમાં આ દિવસે કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.