Congress Adhiveshan: અમદાવાદમાં આયોજિત 84માં કોંગ્રેસ અધિવેશનનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા અમદાવાદમાં છે. ટાર્ગેટ પહેલા ગુજરાત ચૂંટણી છે, જેના દમ પર જ કોંગ્રેસ આગળની રણનીતિ તૈયાર કરશે. રાષ્ટ્રીય અધિવેશન અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં કોંગ્રેસે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા AICCના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વધુ એક કાર્યક્રમ તૈયાર કરાયો છે.15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની ચર્ચા થશે. નવા પ્રમુખ અને સંગઠન પર ભાર મૂકાશે. જેમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાશે અને તાલુકા માળખાનું પણ નવેસરથી સંગઠન કરાશે.’
વેણુગોપાલે કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીમાં મોટો સંગઠનાત્મક ફેરફાર કરાશે. આ બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી. વર્ષ 2025ને પાર્ટી સંગઠનના પૂર્ણ પુનર્ગઠન તરીકે સમર્પિત કરાયું છે અને આ વિષય પર વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરાઈ છે. સંગઠનમાં ફેરફાર અંગે દિશા-નિર્દેશ તૈયાર કરાશે. આપણા મહાસચિવ અને પ્રભાર તેના પર કામ કરી રહ્યા છે.’
50 ટકા અનામતની દિવાલ તોડી દઇશું: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના ઇતિહાસ વિશે જણાવ્યું હતું. આ સાથે તેમણે ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને 150 વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. આ બંને કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. હું પછાત લોકો માટે કામ રહ્યો છું.’
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ‘તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.
પીએમ મોદી અને આરએસએસએ સ્પષ્ટ કરી દીધું કે અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માંગતા નથી. અમે સંતાડવા માંગીએ છીએ. મેં કહ્યું કે, તમે છુપાવવું હોય એટલું છુપાવો. અમે અહીંથી જાતિ આધારિત વસતી ગણતરી પાસ કરીશું. હું ફરીથી કહી રહ્યો છું કે 50 ટકા અનામતની જે દિવાલ છે તેને અમે તોડી દઇશું. અમે જે તેલંગાણામાં કર્યું તે દિલ્હીમાં અને આખા ભારતમાં કરવા જઇ રહ્યા છીએ.
મેં ઈન્દિરા ગાંધીજીને સવાલ પૂછ્યો હતો કે, તમે દુનિયામાં ન રહેવા પર લોકોએ તમારા વિશે શું બોલવું અને વિચારવું જોઈએ. તો તેમણે કહ્યું હતું કે, રાહુલ, હું માત્ર પોતાનું કામ કરું છું. મારા ન રહેવા પર લોકો મારા વિશે શું વિચારે છે તેની મને કોઈ ચિંતા નથી. મારું ફોકસ માત્ર પોતાના કામ પર છે. મારા ન રહેવા પર દુનિયા જો મને ભૂલ પણ જાય તો મને મંજૂર છે, કારણ કે મેં પોતાનું કામ બરાબર રીતે કર્યું છે. એ મારું પણ માનવું છે કે લોકો શું વિચારે છે, તેનાથી મને ફરક પડતો નથી.’
PM મોદી એક દિવસ દેશ વેચીને જતાં રહેશે: ખડગે
વડાપ્રધાન પર વધુ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ‘તેમના આધિન કોઈપણ બંધારણીય સંસ્થા સુરક્ષિત નથી. ચૂંટણી પંચ પણ નહીં. ઈવીએમની સંપૂર્ણ વ્યવસ્થા વિપક્ષને હરાવવા માટે ઘડવામાં આી છે. ભારતનો વિકાસ 2014 પહેલાં થયો હતો. પરંતુ ભાજપ વારંવાર દાવો કરી રહી છે કે, વિકાસની શરૂઆત વડાપ્રધાન મોદીના શાસનમાં થઈ. આજે એરપોર્ટથી માંડી પોર્ટ અને માઈનિંગની તમામ જાહેર સંપત્તિઓ ઉદ્યોગપતિ મિત્રોને સોંપાઈ રહી છે. જે દેશની સુરક્ષા માટે જોખમી છે. તેને અટકાવવુ પડશે. દેશ વેચાઈ રહ્યો છે.
દેશની સ્થિતિ એટલી ખરાબ છે, યુવાનોમાં વિદેશ જવાનું પ્રમાણ વધ્યું છે. બેરોજગારી વધી રહી છે. યુવા બેરોજગારીથી બચવા માટે વિદેશમાં જઈ વસી રહ્યા છે. દેશમાં બેરોજગારી વધી રહી છે. વિદેશ ગયેલા યુવાનોને બેડીમાં બાંધી પરત મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન મોદી ચૂપ છે.’