Shriprakash Jaishwal Died News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું શુક્રવારે કાનપુરમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. શુક્રવારે અચાનક તેમની તબિયત લથડતાં તેમને કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનના સમાચાર ફેલાતા જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લહેર ફરી વળી છે.

ડૉક્ટરોએ શું કહ્યું?
હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના નિયામક ડૉ. રાકેશ વર્માએ જણાવ્યું કે, “જ્યારે શ્રીપ્રકાશ જયસ્વાલને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ત્યારે તેઓ મૃત અવસ્થામાં જ હતા. તેમને બચાવવાની કોશિશ કરવાનો કોઈ મોકો મળ્યો ન હતો.”
કેવું રહ્યું રાજકીય કરિયર?
શ્રીપ્રકાશ જયસ્વાલ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં કોંગ્રેસનો એક મોટો અને દિગ્ગજ ચહેરો ગણાતા હતા. તેઓ કાનપુરથી ત્રણ વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે યુપીએ સરકારમાં ગૃહ રાજ્યમંત્રી અને બાદમાં કોલસા મંત્રી તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. તેમના શાંત સ્વભાવ, મજબૂત જનસંપર્ક અને બેદાગ છબીને કારણે તેઓ માત્ર કોંગ્રેસમાં જ નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષોમાં એક સન્માનનીય નેતા તરીકેની ઓળખ ધરાવતા હતા. કાનપુરમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવામાં તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.
પાર્ટીમાં શોકનો માહોલ
તેમના નિધનના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક નેતાઓ, પાર્ટીના કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને એકઠા થવા લાગ્યા હતા. સમગ્ર શહેરમાં શોકનો માહોલ છે. અનેક વરિષ્ઠ નેતાઓએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના યોગદાનને યાદ કર્યું છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન પાર્ટી માટે એક અપૂર્ણીય ક્ષતિ છે.










