ટ્રાન્સપોર્ટ પેઢીના માણસો સહિત 7 શખ્સો સામે ફરિયાદ : મોરબીથી 24 ટન કોપર વાયરનો જથ્થો ટ્રકમાં ભરાવ્યા બાદ ડ્રાઇવરને કંડલા બાયપાસ પાસે બિલ આપવાના બહાને બોલાવીને લૂંટી લીધો
મોરબી, : મોરબીમાં ખાખીનો ગુનેગારોને કોઈ ડર રહ્યો ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. શહેરના કંડલા બાયપાસ પાસે ટ્રક ચાલકને બીલ આપવાના બહાને બોલાવી છરી દેખાડી કારમાં બેસાડી અપહરણ કરી ટ્રક અને કોપર વાયરનો 24 ટન જથ્થો લૂંટ ચલાવ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગરના મૂંગણી ગામના રહેવાસી લાલજીભાઈ ધનજીભાઈ વાડોલીયા (ઉ.વ. 43)એ આરોપીઓ ગૌરાંગભાઈ પટેલ, ઈરફાન, અમિત વાજા, વસંત વાઘેલા અને અમિત સારલા (રહે. બધા મોરબી) તેમજ બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 7 એપ્રિલના રોજ રાત્રીના ટ્રકમાં કોલસો ભરી મોરબી જાંબુડિયા પાસે ડેલામાં ખાલી કર્યો હતો. બીજા દિવસે તા. 8 ના રોજ સવારના શેઠ કિર્તીભાઈએ કહ્યું કે તમારે જામનગર રીટર્ન ફેરા માટે મોરબી યોગી ટ્રાન્સપોર્ટ જવાનું છે. ત્યાં વિમલભાઈને મળજો અને તે કહે તે માલ ભરીને જામનગર ઉદ્યોગનગરમાં ફેઝ 2 માં લઇ આવવાનો છે. જેથી યોગી ટ્રાન્સપોર્ટ વાળા વિમલભાઈના મોબાઈલ પર વાત કરતા તેઓએ જુના આરટીઓ ઓફીસ બાજુ નેક્સસ સિનેમા પાસે પહોંચી માલ ભરવા કહ્યું હતું. સવારના સાડા દશેક વાગ્યે બાયપાસ પહોંચતા ગૌરાંગભાઈ પટેલના મોબાઈલમાં ફોન કરતા તેઓએ નેક્સસ સિનેમા પાસે તેડવા આવ્યા અને ટ્રક લઈને માલ ભરવા ગયો હતો. મોરબી યમુનાનગરમાં દુકાનમાં માલ હતો. જ્યાં ગૌરાંગભાઈ, તેના માણસો ઈરફાન, યોગેશ સોન્ગ્રા, વસંત વાઘેલા સહિતના હાજર હતા. ટ્રકમાં દુકાનમાંથી કોપરના ગોળ ફીંડલા ભરાય ગયા બાદ ગૌરાંગભાઈએ ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ પાસે એક માણસ બીલ આપવા આવશે અને ઈરફાન તમારી સાથે કાંટો કરાવવા આવશે. તેમ કહ્યું હતું.
પરંતુ તેઓએ ષડયંત્ર રચીને સ્વીફ્ટ કારમાં બેસાડી શકત શનાળા બાજુ લઇ ગયા હતા અને મોબાઈલ પોતાની પાસે રાખી લીધો હતો. આ લોકો વાતચીત કરતા હતા કે માલ ગાડીમાં ભરેલ છે. તે શેઠ ગૌરાંગભાઈના કહેવાથી આપણે લૂંટ કરીને ઈરફાનના કહેવા મુજબ વેચી નાખવાનો છે. જેતપર રોડ પર મોડી રાત્રીના કારમાં સુઈ ગયો અને વહેલી સવારે સુતા બાદ મોકો જોઈને વહેલી સવારે કારમાંથી મોબાઇલ ભાગી ગયો હતો. આમ આરોપીઓએ કાવતરૂં રચી સ્વીફ્ટ કારમાં અપહરણ કરી લઇ જઈને ટ્રક કિંમત રૂા. 7 લાખ અને કોપર વાયર આશરે 24 ટન જેનું બીલ નહિં મળતા કિંમત ખબર ના હોય. તેની લૂંટ કરી નાસી ગયા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.