વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં સામેલ થયા હતા. જે દરમિયાન મોદીએ અન્ય લોકોની સાથે મળીને નવકાર મહામંત્રનો જાપ કર્યો હતો. જે બાદ લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નવકાર મહામંત્ર વિકસિત ભારતના લક્ષ્યની સાથે જોડાયેલો છે, મે લાલ કિલા પરથી કહ્યું હતું કે વિકસિત ભારત એટલે કે વિકાસ પણ વિરાસત પણ, એક એવું ભારત જે અટકશે નહીં અને ઉંચાઇને સ્પર્શ કરશે. મોદીએ જૈન ધર્મના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે જૈન ધર્મેે ભારતની ઓળખ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું નવકાર મહામંત્રની આ આઘ્યાત્મિક શક્તિને મારી ભીતર અનુભવુ છું, કેટલાક વર્ષ પહેલા હું જ્યારે બેંગલુરુમાં આવા જ એક સામુહિક મંત્રોચ્ચારનો સાક્ષી બન્યો હતો ત્યારે જે અનુભૂતિ થઇ રહી હતી તેવી જ અનુભૂતિ આજે પણ થઇ રહી છે. નવકાર મહામંત્ર માત્ર મંત્ર નથી આ આપણી આસ્થાનું કેન્દ્ર અને જીવનનો મૂળ સ્વર છે. અને તેનું મહત્વ માત્ર આઘ્યાત્મિક્તા નથી, આ સ્વયમથી લઇને સમાજ સુધી સૌને સાથે રાખીને રાહ દેખાડે છે. જનથી જગ સુધીની યાત્રા છે આ મંત્ર, આ મંત્રનો પ્રત્યેક પદ જ નહીં સાથે સાથે પ્રત્યેક અક્ષર ખુદમાં જ એક મંત્ર છે.
મોદીએ મંત્રના વખાણ કરતા કહ્યું હતું કે નવકાર મહામંત્ર એક માર્ગ છે, એવો માર્ગ કે જે માનવીને અંદરથી શુદ્ધ કરે છે, જે માનવીને સૌહાર્દની રાહ દેખાડે છે. નવકાર મહામંત્ર સાચા અર્થમાં માનવ, ઘ્યાન, સાધના અને આત્મશુદ્ધિનો મંત્ર છે. અમે જાણીએ છીએ કે જીવનના નવ તત્વો છે, આ નવ તત્વો જીવનને પૂર્ણતા તરફ લઇ જાય છે. અને તેથી જ આપણી સંસ્કૃતિમાં નવનું વિશેષ મહત્વ રહ્યું છે. આ સાથે જ મોદીએ નવકાર મહામંત્રનું અર્થઘટન પણ સમજાવ્યું હતું, તેમણે કહ્યું હતું કે નવકાર મહામંત્ર કહે છે કે સ્વયમ પર વિશ્વાસ કરો, સ્વયમની યાત્રા શરૂ કરો, દુશ્મન બહાર નહીં પરંતુ આપણી અંદર છે. નકારાત્મક વિચારો, અવિશ્વાસ, વૈમનસ્ય જ આપણા શત્રુ છે, જેના પર જીત મેળવવી જ સાચો વિજય છે. આ જ કારણ છે કે જૈન ધર્મ આપણને બહારની દુનિયા નહીં પરંતુ ખુદને જીતવાની પ્રેરણા આપે છે.
વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના વખાણ કરતા કહ્યું હતું કે ભગવાન મહાવીરનો ૨૫૫૦મો નિર્વાણ મહોત્સવનો સમય આવ્યો ત્યારે અમે દેશભરમાં તેની ઉજવણી કરી હતી, આજે જ્યારે પ્રાચીન મૂર્તિઓ વિદેશથી ભારત લાવવામાં આવે છે ત્યારે તેમાં આપણા તીર્થકરોની પ્રતિમાઓ પણ પરત ફરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 20થી વઘુ તીર્થકરોની મૂર્તિઓને વિદેશથી પરત ભારત લાવવામાં આવી છે તે જાણીને તમને ગૌરવ થશે તેમ મોદીએ આ સંબોધનમાં કહ્યું હતું. તેમણે જૈન ધર્મના વખાણ કરતા કહ્યું હતું કે જૈન ધર્મના મૂલ્યોએ ભારતીય સમાજને એક નવી દિશા આપી છે અને દેશની સાંસ્કૃતિક ધારાને આકાર આપ્યો છે.