ધુળેટી પર્વ ઉજવીને રાજસ્થાનથી પરત ફરતા
દહેગામ બાયડ રોડ ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયો અન્ય મુસાફરો ઘાયલ ઃ ફરાર ટ્રક ચાલકની શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે આજે સવારના સમયે દહેગામ બાયડ રોડ ઉપર જઈ રહેલા ટ્રકે સામેથી આવતી
ઇકો કાર સાથે અકસ્માત સર્જતા તેમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જ્યારે ચાલાક
અને એક બાળકનું મોત થયું હતું. પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૃ કરી છે.
અકસ્માતની વધતી જતી ઘટનાઓની સાથે હાલ હિટ એન્ડ રનના બનાવો
પણ સતત વધી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ હાઇવે માર્ગ ઉપર આજે
સવારના સમયે સર્જાયેલી વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓના
મોત નીપજ્યા છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ડુંગરપુર ખાતે
છોટાફલા ગામમાં રહેતા પંકજ જીવાભાઈ પાંડોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
ગત હોળી ધૂળેટીની રાજાઓમાં તે અને તેમની પત્ની વતનમાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રે
તેમને અમદાવાદ આવવાનું હોવાથી તેમના મિત્ર દિનેશ રમણલાલ ડામોર તેમની કાર લઈને
અમદાવાદ જતા હોવાથી તેમની કારમાં બેસી ગયા હતા. જે કારમાં અન્ય મુસાફરો પણ હતા
દરમિયાનમાં બાયડથી દહેગામ તરફ તેઓ આવી રહ્યા હતા તે દરમિયાન આજે વહેલી પરોઢે
૬ વાગ્યાના અરસામાં સાપા ગામ નજીક દહેગામ
તરફથી પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલક દ્વારા તેમની ઇકો કારને અડફેટે લેવામાં આવી
હતી અને જે ગંભીર અકસ્માત બાદ અકસ્માત સર્જનાર ચાલક તેની ટ્રક લઈને ફરાર થઈ ગયો
હતો. આ અકસ્માતને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ
કરતા તમામને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા
જ્યાં કારના ચાલક દિનેશ રમણલાલ ડામોર અને એક વર્ષના બાળકનું મોત થયું હતું. હાલ આ
ઘટના અંગે રખિયાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને શોધવા
માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.