વડોદરા,માંડવી મહેતા પોળની સામે આવેલી શૃંગારની દુકાન તથા વારસિયાના મેડિકલ સ્ટોરમાંથી ચોર ટોળકી રોકડા પોણા બે લાખ ચોરી ગઇ હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આજવા રોડની ઉદયનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ નવીનચંદ્ર અત્તરવાલાની માંડવી બેન્ક રોડ પર કલ્યાણરાયજી શૃંગાર સેન્ટર નામની દુકાન છે. તે દુકાન તેમના સંબંધી મોહિતકુમાર રાજકુમાર જોશી ચલાવતા હતા. ગત ૨ જી તારીખે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે આવ્યા ત્યારે દુકાનના તાળા તૂટેલા હતા. ચોર દુકાનમાંથી રોકડા ૧૦ થી ૧૫ હજાર ચોરી ગયો હતો.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વારસિયા એસ.કે. કોલોનીમાં રહેતા સુમીત રમેશલાલ રામચંદાની વારસિયા જૂની આર.ટી.ઓ. કચેરી પાસે ડીકેર મેડિકલ એન્ડ સર્જીકલ નામની દુકાન ભાગીદારીમાં ચલાવે છે. ગત ૫ મી તારીખે દિવસ દરમિયાન થયેલા ધંધાના ૬૦ હજાર તથા દુકાનની ઉપર ચાલતા રિનોવેશનના કામમાં મજૂરોને ચૂકવવા માટેના ૧ લાખ રોકડા પણ કાઉન્ટરમાં હતા. રાતે ચોર ટોળકી શટરના તાળા તોડી રોકડા ૧.૬૦ લાખ ચોરી ગઇ હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.