– બોચાસણ બ્રિજથી આગળ બિનવારસી ટ્રક મૂકી દીધી
– બાતમીવાળી બે ટ્રક આવતા પોલીસ ગૂંચવાઈ દારૂ સહિત રૂા. 30.08 લાખનો મુદ્દામાલ જપ્ત
આણંદ : બોચાસણ બ્રિજ પાસેથી કન્ટેનર આણંદ એલસીબી પોલીસે પકડયું હતું. કન્ટેનરમાં ગુપ્ત ખાનામાંથી રૂા. ૧૫ લાખ ઉપરાંતના દારૂની ૨,૧૫૭ બોટલોનો જથ્થો ઝડપાયો હતો. જો કે, કન્ટેનર બિનવારસી મૂકી ડ્રાઈવર ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂા. ૩૦.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનરના નંબરના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લામાં વિદેશી દારૂની પોલીસની રહેમ નજર હેઠળ હેરફેર થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. દારૂની હેરફેરને અટકાવવા માટે આણંદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલ રાતે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બંધબોડીના કન્ટેનરમાં વિદેશી દારૂની પેટીઓ ભરી કાઠિયાવાડ તરફ જઈ રહ્યું હતું. ત્યારે પોલીસની ટીમ વાસદ બગોદરા હાઈવે માર્ગ ઉપર આવેલા બોચાસણ બ્રિજ નજીક વોચમાં ગોઠવાઈ હતી. ત્યારે બાતમી મુજબની બે ટ્રક એક સાથે આવતા પોલીસ પણ ગૂંચવાઈ ગઈ હતી. પોલીસે બંને ટ્રકોને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એક ટ્રકના ચાલકે રોડની સાઈડમાં ટ્રક ઉભી રાખી હતી. જ્યારે અન્ય ટ્રક પસાર થઈ ગઈ હતી. પોલીસે ટ્રકના નંબરના આધારે તપાસ કરી ભાગી છૂટેલી ટ્રકનો પીછો કર્યો હતો. જો કે, થોડે દૂર અન્ય ટ્રક ચાલકે ટ્રકને રોડની સાઈડમાં ઊભી કરી બિનવારસી હાલતમાં છોડી પલાયન થઈ ગયો હતો. પોલીસે ટ્રકના આગળના ભાગે તપાસ કરતા એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. જેમાં પેટીઓમાં રૂા. ૧૫.૦૮ લાખના દારૂની ૨,૧૫૭ બોટલો મળી હતી. પોલીસે દારૂ તથા ટ્રક મળી કુલ રૂા. ૩૦.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોરસદ ગ્રામ્ય પોલીસના હવાલે કરતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કન્ટેનરના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.