– 13 કિ.મી.ની ઝડપે લૂ વાતા પવન ફૂંકાયા
– જિલ્લામાં 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના
આણંદ : આણંદ જિલ્લામાં અગનવર્ષાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જિલ્લામાં મહત્તમ તાપમાન ૪૨.૯ ડિગ્રીએ પહોંચ્યું હતું. ગરમીનું પ્રમાણ વધવાના કારણે શહેરીજનો ત્રસ્ત બન્યા છે. ત્યારે પશુ- પક્ષીઓની હાલત પણ કફોડી બની છે.
આણંદ કૃષિ હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી, મહત્તમ ૪૨.૫ ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને પવનની ગતિ ૪.૭ પ્રતિ કલાકની રહી હતી. ત્યારે બુધવારે સવારે ૧૧ કલાકે જ તાપમાનનો પારો ૩૯ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જે બપોરે ૪૨.૯ સુધી પહોંચ્યું હતું. ૧૩ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાતા લૂ જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. ભારતીય મોસમ વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં વાતાવરણ સુકૂં અને અંશતઃ વાદળછાયું રહેશે. જિલ્લાનો મહત્તમ પારો ૩૯થી ૪૩ ડિગ્રી, લઘુત્તમ ૨૨થી ૨૪ અને પવનની ગતિ ૫થી ૧૨ પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.આણંદ જિલ્લાના મોટાભાગના શહેરોમાં બપોરે ૧૨થી સાંજે ૪ સુધી રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાડના છાયે ખેડૂતો- શ્રમજીવીઓ બેઠેલા નજરે પડયા હતા. કાળઝાળ ગરમીથી બચવા પશુ- પક્ષી ઝાડની ઓથે બેસી ગયા હતા. બજારોમાં શેરડીના રસ સહિત ઠંડા પીણા, તરબૂચ, શક્કરટેટીની માંગ વધી છે.