– બનેવીને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ
– સાળાને લેવા બનેવી હોટેલમાં સાથે કામ કરતા વ્યક્તિની બાઈક પર બેસીને આવ્યા હતા
તારાપુર : તારાપુર ચોકડી ઉપર સાળાને લેવા બનેવી હોટેલમાં સાથે કામ કરતા વ્યક્તિના બાઈક પર બેસીને આવ્યા હતા. ચોકડી પાસે બાઈક પાર્ક કરીને ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા સાથે કામ કરતા વ્યક્તિના શરીર પર ટ્રકના ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બનેવીને સારવાર માટે દાખલ કરાયા હતા. આ બનાવ અંગે તારાપુર પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુરા ટેકરી ફળિયા ખાતે રહેતા હર્ષદભાઈ જેણાભાઈ સેનવન ગિરનાર કાઠીયાવાડી હોટલમાં જમવાનું બનાવવાનું કામ કરે છે. ગતરોજ હર્ષદભાઈના રાજકોટ રહેતા સાળાનો ફોન આવ્યો હતો કે, હું આવું છું તમે મને તારાપુર ચોકડી પર લેવા માટે આવજો. જેથી હર્ષદભાઈ તેમની સાથે હોટલમાં કામ કરતાં મિત્ર રાજુભાઈ શાંતિલાલ રોહિત (રહે. ગાડા, તા.સોજીત્રા) પાસે બાઈક હોવાથી રાત્રે બે વાગ્યાના અરસામાં ગિરનાર હોટલ પરથી તારાપુર ચોકડી જવા રવાના થયા હતા.
રાત્રે અઢી વાગ્યાની આસપાસ બંને જણ તારાપુર મોટી ચોકડી આગળ શિવમ ભાજીપાવની સામે ઊભા રહી સાળાને ફોન કરવાનો પ્રયત્ન કરતા હતા.
ત્યારે ટ્રકના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈકની પાછળ બેઠેલા રાજુભાઈ ટ્રકના આગળના ટાયરની નીચે આવી ગયા હતા. માથામાં તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું હતું. હર્ષદભાઈને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ થતા સારવાર માટે તારાપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તારાપુર પોલીસે હર્ષદભાઈ જેણાભાઈ સેનવનની ફરિયાદના આધારે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.