કલેકટર કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પેન્ડિંગ પ્રશ્નોના રીવ્યુ મેળવી વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરી હતી. કલેકટરે વહેલી તકે પ્રશ્નોના નિકાલની ખાતરી આપી અધિકારીઓને જુના પ્રશ્નો ફરી સંકલનમાં ન આવે તે માટે જરૂરી સૂચના આપી હતી.
ખેતરમાં પાણીની જરૂરિયાત હોય ત્યારે વીજ કંપની ખેડૂતો માટે અગાઉથી ટ્રાન્સફોર્મરની સુવિધા ઉપલબ્ધ રાખે તે અંગે કરજણ ધારાસભ્યની રજૂઆત હતી. જ્યારે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ અંગે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ હાજર ન રહેતા કલેકટરે તેઓને હાજર રહેવા સૂચના આપી છે. તથા ભાયલીથી અટલાદરા ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા, સાત વર્ષથી કામગીરી અટકી પડી હોય સમલાયા- ચાણસદ વેસ્ટર્નબાય પાસનું કામ શરૂ કરવા, પાદરા – જંબુસર માર્ગ ખેડૂતોને વળતરની પ્રક્રિયા ઝડપી કરવા સહિતના પ્રશ્નો અંગે પાદરાના ધારાસભ્યની રજૂઆત હતી. તેમજ શાળામાં એસસી, એસટી વિદ્યાર્થીઓના કાર્ડ અને દાખલાની સમસ્યા, ભાયલીમાં અશાંત ધારો , અણખોલ ગ્રામ પંચાયતના કામોમાં ગેરીતીની શંકા અંગે ડભોઇ ધારાસભ્યની રજૂઆત હતી. જ્યારે વીજ પુરવઠો છાશવારે ખોરવાતા ટીપી વાઈઝ સબ સ્ટેશન, હરણી અને બાપોદ ખાતે સબ સ્ટેશન, સરસિયા તળાવની આસપાસ સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવા વડોદરા શહેર ધારાસભ્યની રજૂઆત હતી. તદુપરાંત વાઘોડિયામાં દૂષિત પાણી, ખેડૂત જમીન સંપાદન વળતરમાં વિલંબ, માપણી માટે ખેડૂતોની પેન્ડિંગ અરજીઓનો નિકાલ, બિન ખેડૂતો પર કડક કાર્યવાહી સહિતના પ્રશ્નો અંગે વાઘોડિયા ધારાસભ્યની રજૂઆત હતી