– નવજાત શિશુ પોતાનું ન હોવાની શંકા રાખી કુહાડીના ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો હતો
– ડીએનએ ટેસ્ટમાં મૃતક નવજાત હત્યારાનો જ પુત્ર હોવાનું ખુલ્યું હતું, 5 વર્ષ પૂર્વેની ઘટનામાં બોટાદ કોર્ટનો ચુકાદો
બોટાદ : ગઢડા તાલુકાના વીકળિયા ગામે પાંચેક વર્ષ પૂર્વે માત્ર ૨૦ દિવસના જ માસૂમ પુત્રને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાંખ્યાની ચકચારી ઘટનામાં બોટાદ કોર્ટે હત્યારા પિતાને આજીવદન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના વીકળિયા ગામની સીમમાં આવેલ બાબુભાઈ આસોદરિયાની વાડીમાં ખેતમજૂરી કામ કરતા મંજુલાબેન નાયકને પુત્ર પ્રાપ્તી થઈ ત્યારથી તેનો પતિ તેણી ઉપર શંકા-વહેમ કરી બાળક તેનું ન હોવાનું કહીં બોલાચાલી કરતો હતો. દરમિયાનમાં મંજુલાબેન ગત તા.૧૩ એપ્રિલ,૨૦૨૦એ સાંજના સુમારે ઓરડીમાં રસોઈ બનાવી રહ્યા હતા અને તેમનો ૨૦ દિવસનો નવજાત પુત્ર બાજુમાં સૂતો હતો, આ સમયે પતિ કાળુ મોહનભાઈ નાયકે કુહાડી લઈને આવી ‘આ બાળક મારૂં નથી’ તેમ કહીં પત્ની સાથે માથાકૂટ કરી ઉશ્કેરાઈ જઈ કુહાડીનો એક ઉભો ઘા બાળકના માથાના ઝીંકી દીધો હતો. જેથી મહિલાએ દોડીને બહાર જઈ બુમાબુમ કરતા પાડોશી અર્જુનભાઈ બચાવવા વચ્ચે પડતા કાળુ નાયકે તેમને પણ કુહાડીનો એક ઘા કરી ઈજા પહોંચાડી હતી. બાદમાં નવજાત શિશુ અને ઈજાગ્રસ્ત અર્જુનભાઈ છત્રાભાઈ નાયકને ૧૦૮ મારફતે દામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે માસૂમ બાળકને તપાસી મૃત જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મંજુલાબેન નાયકે તેના હત્યારા પતિ કાળુ મોહનભાઈ નાયક સામે ઢસા પોલીસમાં હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધાવ્યો હતો.જેના પગલે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી મૃતકનું પેનલ પીએમ તેમજ તેના ડીએનએ ટેસ્ટ સહિતની કાર્યવાહી કરી હતી. પોલીસે બાળકનું ડીએનએ કરાવતા ખૂની ખેલ ખેલનારો શખ્સ જ મૃતકનો પિતા હોવાનો અભિપ્રાય આવ્યો હતો.
આ ચકચારી કેસમાં તપાસનીશ અધિકારીએ બોટાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ આજે ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસની સુનવણી ચાલી હતી. જેમાં ફરિયાદી પક્ષે ૧૨ સાક્ષી અને જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, ૫૩ દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ હેમાંગ આર. રાવલે આરોપી કાળુ મોહનભાઈ નાયકને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.૧૨હજારના દંડનો હુકમ કર્યો હતો.