![]()
Ahmedabad Crime News : અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સાઇબર ફ્રોડના ગુનાની તપાસ દરમિયાન નારણપુરા વિસ્તારમાંથી હાઇબ્રીડ ગાંજાની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. શાસ્ત્રીનગર બ્રિજ પાસે આવેલા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી પોલીસે રાજદીપ ભરતસિંહ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી 422.740 ગ્રામ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 14,79,590/- અંદાજવામાં આવી છે. અન્ય ચીજવસ્તુઓ સહિત પોલીસે કુલ રૂપિયા 14,84,590/-ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઇમ પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિની જડતી તપાસ દરમિયાન આ ફ્લેટમાંથી એક બેગપેક મળી આવ્યું હતું, જેમાંથી ગાંજા જેવી વાસ આવતી હતી. આ બાતમીના આધારે પોલીસની ટીમ દ્વારા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના ફ્લેટ નં. એચ-6/58 પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી રાજદીપ ગોહિલ વગર પાસ-પરમિટનો આ ગેરકાયદેસર નશીલો પદાર્થ છુપાવીને રાખતો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી રાજદીપ ગોહિલ સ્નેપચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને હાઇબ્રીડ ગાંજાનો આ જથ્થો મંગાવતો હતો અને ત્યારબાદ અમદાવાદ શહેરમાં ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હતો. વળી, આ ગાંજાના જથ્થાના નાણાં તે આંગડિયા મારફતે ચૂકવતો હતો. સાયબર ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ. એક્ટની સંબંધિત કલમો હેઠળ રાજદીપ ગોહિલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ માટે આ કેસ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેરને મોકલી આપવા માટે તજવીજ હાથ ધરી છે.
આ ઘટના અંગે PI ભૂમિકા પટેલે જણાવ્યું કે, અમે સાઇબર ક્રાઈમમાં અમારા એક આરોપીની તપાસ કરવા ગયા હતા એ એડ્રેસ પર અને એ દરમિયાન અમને એ બેગની અંદરથી ગાંજ મળ્યો હતો. તેની તપાસ કરતા સામે આવ્યું કે, આ ગાંજો આરોપી રાજદિપસિંહ નામના આરોપીનો છે. આ પછી તેની પૂછ્યું કે, આ ગાંજો કેવી રીતે લાવે છે. તો તેણે એક બીજા આરોપી અજયરાજ જાડેજા વિશે જણાવ્યું હતું. જે સ્નેપચેટ નામની એપ્લિકેશન દ્વારા આ રેકેટ ચલાવતો હતો. તેઓ સ્નેપચેટમાં એકબીજાને ઓર્ડર આપે. આ આરોપી ત્યાંથી પૂછે અને સ્નેપચેટમાં કહે કે આ વખતે કેટલી ડિમાન્ડ છે. જેના જવાબમાં સામેવાળો આરોપી કહે એટલો ગાંજો તે સપ્લાય કરે. આ ગાંજો પોર્ટર દ્વારા મોકલતા હતા. એ પછી તે પાર્સલ કોઈ પાનના ગલ્લે કે અન્ય સ્થળેથી રિસીવ કરતા હતા.
આરોપી અજય જાડેજા પાર્સલ મોકલનાર અને લેનારનું નામ એક જ રાખતો હતો. આ ઉપરાંત પાર્સલ બસમાં પણ મોકલતો હતો અને અહીંથી બસ આવે એટલે અન્ય શખ્સ દ્વારા તેને રિસીવ કરવામાં આવતું હતું. ગાંજો રિસીવ થયા પછી આંગડિયાની વિગત આપતો અને પછી રૂપિયાની લેતી દેતી થતી હતી. આ પછી અહીં અલગ અલગ વેન્ડરને ગાંજો મોકલવામાં આવતો હતો.










