![]()
Vadodara : એઆઈએ હવે એકાઉન્ટિંગ અને ઓડિટિંગના ક્ષેત્રમાં પણ પોતાની ઉપયોગીતા પૂરવાર કરવા માડી છે. આઈટી અને જીએસટી વિભાગની નોટિસોનો જવાબ આપવાની સાથે સાથે ઓડિટિંગમાં પણ એઆઈના ઉપયોગથી 50 ટકા સુધીનો સમય બચી શકે છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયાના વડોદરા તેમજ અન્ય શહેરોના સીએ ચેપ્ટર દ્વારા યોજાયેલી એઆઈ સમિટમાં ઉપરોકત જાણકારી આપવામાં આવી હતી.
આઈસીએઆઈની સેન્ટ્રલ કમિટિના સભ્ય વિશાલ દોશીએ કહ્યું હતું કે, એઆઈના મહત્વને હવે નકારી શકાય નહીં. જેમ કે જીએસટી અને આઈટીની નોટિસોનો જવાબ આપવા માટેના ડ્રાફ્ટિંગમાં પહેલા એક દિવસ લાગતો હતો અને હવે એ જ કામગીરી બે કલાકમાં થઈ જાય છે. ઓડિટિંગમાં ચોક્કસ ડેટા કે જાણકારી મેળવવાનું કામ એઆઈના કારણે ગણતરીની મીનિટોમાં થઈ શકે છે. ઓડિટિંગમાં તો એઆઈ ટૂલ્સનો યોગ્ય ઉપયોગ થાય તો 50 ટકા સુધીનો સમય પણ બચી શકે છે. જોકે તે ઓડિટ કયા પ્રકારનું છે તેના પર પણ આધાર રાખે છે.
તેમણે કહ્યું હતું કે, આમ છતા પણ સીએનું સ્થાન એઆઈ નહીં લઈ શકે. કારણકે એઆઈની જાણકારી સાચી છે કે નહીં તે પણ ચકાસવું પડે છે. એઆઈની માહિતીનું એનાલિસિસ પણ છેલ્લે તો સીએને જ કરવાનું હોય છે.
એઆઈ ઘણી વખત કાલ્પનિક જાણકારી પૂરી પાડે છે
વડોદરા ચેપ્ટરના પૂર્વ પ્રમુખ રિકિન પટેલે કહ્યું હતું કે, એઆઈનો 100 ટકા વિશ્વાસ કરી શકાય નહીં. ઘણી વખત એવું પણ બને છે કે, એઆઈ પાસે માંગેલી જાણકારી ઉપલબ્ધ ના હોય તો તે પોતાની જાતે કાલ્પનિક જાણકારી બનાવીને પૂરી પાડે છે.
એક વર્ષમાં 32000 સીએ એઆઈનો કોર્સ કરી ચૂકયા છે
આઈસીએઆઈ દ્વારા એઆઈના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને સીએ માટે 3 દિવસનો એઆઈ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. એક વર્ષમાં 32000 સીએ આ કોર્સ પૂરો કરીને સર્ટિફિકેટ મેળવી ચૂકયા છે. હવે એઆઈ કોર્સનું લેવલ 2 પણ સીએ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
કલાયન્ટની ઓળખ છુપાવી એઆઈ ટૂલનો ઉપયોગ જરૂરી
એઆઈનો ઉપયોગ કરવામાં સૌથી મોટુ ભયસ્થાન ડેટાના કે ક્લાયન્ટના નામના દુરપયોગનું રહેલું છે. જેના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે ગ્રાહકનું નામ છુપાવીને એઆઈ ટૂલનો ઉપયોગ કરવો જરૂરી છે એ મુદ્દા પર પણ સમિટમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
સીએ ઈન્ટર્નશિપ કરનારા વિદ્યાર્થીઓ મળતા નથી
એઆઈના કારણે સીએનું કામ નહીં ઘટે અને સીએની ડિમાન્ડ પણ ઓછી નહીં થાય તેવું નિષ્ણાતોએ કહ્યું હતું. ઉલટાનું હવે સીએની ઓફિસમાં ઈન્ટર્નશિપ કરનારા વિદ્યાર્થીઓની અછત છે. સીએ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે પણ તેની સામે સીએની કામગીરી પણ વધી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.










