શહેરની આસપાસ કેમિકલ ઉદ્યોગો તથા વધી રહેલા વાહનોની સંખ્યાના કારણે હવાના પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે હવા પ્રદૂષણ ઉપર મોનિટરિંગ હેતુ 24 કલાક કાર્યરત રહે તેવા એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની કામગીરી ગોકળગતીએ ચાલતા કાર્યરત થવામાં વિલંબ થઈ રહ્યો છે.
વર્ષ 2021માં કેન્દ્ર સરકારના નેશનલ ગ્રીન પ્રોગ્રામ અંતર્ગત વડોદરામાં પ્રથમ એર ક્વોલિટી સ્ટેશન સ્થાપવાનો નિર્ણય થયો હતો. અગાઉ કોર્પોરેશન જીપીસીબી અને સીપીસીબી સાથે સંકલન કરી આ સ્ટેશન કાર્યરત કરવાનું હતું. પરંતુ હવે કોર્પોરેશને જગ્યા ફાળવતા જીપીસીબી કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સ્ટેશન કાર્યરત કરાશે. જેમાં વર્ષે અંદાજિત 50 લાખના ખર્ચનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનામાં સ્ટેશન કાર્યરત થાય તેવો પ્રયાસ હતો. જો કે, વીજ સપ્લાય સહિતના કારણોસર વિલંબ થઈ રહ્યો છે. જીપીસીબીના અધિકારીનું કહેવું છે કે, આગામી એક મહિનામાં સ્ટેશન કાર્યરત થાય તેવો પ્રયાસ છે. નવું સ્ટેશન બનવાથી જીપીસીબી તથા સીપીસીબીના સર્વર પર ડેટા પહોંચતા વેબસાઈટ તથા સમીર એપ ઉપર જનતા રિયલ ટાઈમ એક્યૂઆઈ (એર ક્વોલીટી ઇન્ડેક્સ) જાણી શકશે. જેમાં હ્યુમન હેન્ડલિંગ રહેશે નહીં. હાલ શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ સપ્તાહમાં બે વખત મેન્યુઅલી મોનિટરિંગ થઈ રહ્યું છે. મહત્વનું છે કે, શહેરના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં અવારનવાર તીવ્ર દુર્ગંધ ફેલાવવા સાથે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થવાની ફરિયાદો ઉઠે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ એર ક્વોલીટી અંતર્ગત હાલ રાજ્યમાં સુરત ,અંકલેશ્વર ,ગાંધીનગર અને અમદાવાદ ખાતેના બે સ્ટેશનનો કાર્યરત છે.