![]()
જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ નજીક જુદા જુદા 3 વાહન અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 6 વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે, ત્રણેય અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક ખંભાળિયા બાયપાસ હાઈવે રોડ પર બન્યો હતો. ત્યાંથી પોતાના મોટરસાયકલ પર જઈ રહેલા મંડપ સર્વિસનું કામ કરતા ચેતન મગનભાઈ પરમારના બાઈક ને જીજે -3 પી.જે. 0281 નંબરના કારના ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈક સવાર ચેતન પરમાર અને તેના બે સંતાનો પુત્ર આયુષ (ઉંમર વર્ષ પાંચ) અને પુત્રી માનન્યા (ઉંમર દોઢ) કે જે બંનેને ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવવા અંગે બાઈક ચાલક ચેતર પરમારે મોટરકાર ના ચાલક રોહિત ધીરુભાઈ પરમાર સામે પંચકોશી બી. ડીવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અકસ્માત નો બીજો બનાવ મહાપ્રભુજીને બેઠક પાસે બન્યો હતો. ત્યાંથી ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા કલ્પેશ પ્રેમજીભાઈ ઘેડિયા તેમજ સંજયભાઈ વડગામા કે જેઓને જી.જે.32 કે 7492 નંબરની કારના ચાલકે ઠોકરે ચડાવતાં બન્નેને ફ્રેકચર સહિતની નાની મોટી ઈજા થઈ છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
અકસ્માત નો ત્રીજો બનાવ જામનગરમાં પાછલા તળાવ વિસ્તારમાં બન્યો હતો. ત્યાંથી બાઈક લઈને જઈ રહેલા ધર્મેશ પ્રવીણભાઈ શ્રીમાળીએ જી.જે ૬ સી.બી.3496 નંબરની કારના ચાલકે ઠોકર મારી દેતાં બાઇક ચાલકને ઇજા થઇ છે, અને સારવાર અપાઇ છે. આ અકસ્માતના બનાવ અંગે કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.










