Jamnagar News : જામનગર તાલુકાના સુવરડા ગામ પાસે 2 એપ્રિલ, 2025ના રોજ એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થવાથી પાયલટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. આજે શુક્રવારે (4 એપ્રિલ) વીર જવાનને સુવરડાના ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે મોટી સંખ્યામાં સુવરડાના ગ્રામજનો સહિતના લોકો એકત્ર થયા હતા.
ગુજરાતના જામનગરમાં બુધવારે (2 એપ્રિલ, 2025) જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. જામનગરના સુવરડા ગામની સીમમાં ફાઇટર પ્લેન ક્રેશ થતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટુકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં IAFના અધિકારી, કલેક્ટર, SP, ફાયર વિભાગ ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. પ્લેન ક્રેશ થવાથી એક પાયલટ શહીદ થયા હતા, જ્યારે એક પાયલટ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ
ગત અઠવાડિયે જ સિદ્ધાર્થની થઈ હતી સગાઈ
ફ્લાઇટ લેફ્ટિનેન્ટ સિદ્ધાર્થ યાદવના પિતા સુશીલ યાદવે જણાવ્યું હતું કે, સિદ્ધાર્થની સગાઈ ગત અઠવાડિયે 23 માર્ચે થઈ હતી અને 31 માર્ચે જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યો હતો. મારા પિતા અને તેના દાદા પણ સેનામાં જ હતા. હું પણ એરફોર્સમાં હતો. મને તેના પર ગર્વ છે. તેણે એક જીવ બચાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે. દુઃખની વાત એ છે કે તે મારો એકમાત્ર પુત્ર હતો.