Stock Market News : ટ્રમ્પે ટેરિફ વૉરથી દુનિયાભરના શેરબજારને હચમચાવી નાખ્યા બાદ એકાએક 90 દિવસ માટે અમુક દેશો સામેથી ટેરિફ ઘટાડાની જાહેરાત કરતાં વિવિધ માર્કેટમાં ફરી હરિયાળી જોવા મળી હતી. ત્યારે આજે ભારતીય શેરબજારમાં પણ ફરી તેજીનો માહોલ દેખાયો. એક જ દિવસમાં સેન્સેક્સમાં 1350 તો નિફ્ટીમાં 450 પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાતા રોકાણકારોએ રાહતના શ્વાસ લીધા હતા. મોટાભાગના શેર આજે ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.
ઉછાળાનું કારણ શું?
શેરબજારમાં આ શાનદાર તેજીનું કારણ બુધવારે ગ્લોબલ માર્કેટમાં આવેલો ઉછાળો અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 90 દિવસ માટે ઘણા દેશોને રાહત આપવાનો નિર્ણય છે. ગઈકાલે ગુરુવારે શેરબજાર મહાવીર જયંતીને કારણે બંધ હતું અને એટલા માટે આજે શુક્રવારે બજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીએ સટાસટી બોલાવી હતી.
સેન્સેક્સ-નિફ્ટીની શું છે સ્થિતિ?
ઉલ્લેખનીય છે કે બુધવારે જ્યારે શેરબજાર બંધ થયું હતું ત્યારે સેન્સેક્સ 73847.15ના લેવલે ક્લૉઝ થયું હતું. ત્યારે આજે સેન્સેક્સે 75000ની સપાટી ક્રોસ કરી લીધી હતી અને હાલમાં સમાચાર લખવા સુધીમાં સેન્સેક્સ 1432 પોઇન્ટની તેજી સાથે 75279.77 પર ટ્રેડ થઇ રહ્યું હતું. સેન્સેક્સમાં લગભગ 2 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો અગાઉનું ક્લોઝિંગ 22399.15 હતું જે આજે 450 થી વધુ પોઈન્ટ ઉછળીને 22861 પર ટ્રેડ થવા લાગ્યું હતું.