Ahmedabad School Bomb Theat News Updates: અમદાવાદ શહેરની કેટલીક શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને વાલીઓમાં ભારે દોડધામ મચી હતી. સમગ્ર મામલે અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ, તમામ સ્કૂલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળ્યો ન હતો. ઈમેઈલથી મળેલી ધમકી મામલે સાયબરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેવાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ જાણકારી આપી છે. સાથે અફવા કે ભય ના ફેલાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
આવતીકાલે અમદાવાદ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે
અમદાવાદમાં શાળાઓને બોમ્બની ધમકીને પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે, પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી ન હતી. અંતે જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ રાખવાને લઈને લેટર જાહેર કર્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને જણાવ્યું છે કે, આવતીકાલે ગુરુવારે (18 ડિસેમ્બર) અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનું રહેશે.
અમદાવાદ શહેરમાં બોપલ, સાણંદ, થલતેજ, મકરબા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેઈલ મળ્યા હતા. જેને લઈને પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી. પોલીસ દ્વારા આપવામાં આવી માહિતી મુજબ, ધમકીના આધારે એસ.ઓ.જી., એલ.સી.બી., ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા સંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા તમામ સ્કૂલોમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી: વાલીઓએ કહ્યું- બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષાના પગલાં રૂપે તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સુરક્ષિત રીતે બહાર કાઢી તમામને ઘરે મોકલવામાં આવ્યા હતા. જેમાં તપાસ અને સર્ચ દરમિયાન કોઈપણ સ્કૂલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળ્યો નથી. હાલ આ ધમકીભર્યા ઈમેઈલ બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જરૂરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.










