Vadodara Demolition : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા-લક્ષ્મીપુરા રોડ પરના તળાવ આસપાસ ગેરકાયદે બંધાયેલા 20 જેટલા ઝૂંપડા પર પાલિકાની દબાણ શાખાએ જેસીબી મશીન ફેરવી દઈને તમામ તોડી પાડ્યા હતા. જોકે કેટલાક ઝૂંપડામાં વીજ કનેક્શન પણ યેનકેન લેવાઈ ગયું હતું. જીઇબી સ્ટાફે આગ કનેક્શનો દૂર કર્યા હતા. ઝૂંપડાના દબાણ પર જેસીબી ફેરવતી વખતે પાલિકા ટીમ સાથે તું તું મૈ મૈ થતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટાફે સંયમપૂર્વક મામલો થાળે પાડ્યો હતો. જોકે તમાશો જોવા એકત્ર લોક ટોળાને તૈનાત પોલીસ જવાનોએ ખદેડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ ઠેર-ઠેર ગેરકાયદે દબાણોની ભરમાર લાગી છે. પાલિકાની દબાણ શાખા જે જગ્યાએથી દબાણો દૂર કરે કે થોડા જ સમયમાં તમામ દબાણો પુનઃ થઈ જાય છે. આમ પાલિકાની કોઈ ચોક્કસ નીતિ દબાણ બાબતે નહીં હોવાથી દબાણ શાખાની ટીમ વારંવાર દબાણો ખસેડ્યા કરે છે. દરમિયાન ગોરવા-લક્ષ્મીપુરા રોડ પર આવેલા તળાવની આસપાસ 20 જેટલા ઝૂંપડાના દબાણો છેલ્લા કેટલાય વખતથી હોવાથી રોડ રસ્તા પણ સાંકડા થઈ ગયા હતા. આ તમામ ઝૂંપડા પૈકીના કેટલાક ઝૂંપડામાં ઈલેક્ટ્રીક કનેક્શન પણ યેનકેન આવી ગયું હતું. દબાણ શાખાની ટીમે જીઈબી ટીમ સાથે મળીને વીજ કનેક્શન કાપી નંખાયા બાદ ગેરકાયદે તમામ ઝૂંપડાના દબાણો પર જેસીબી મશીન ફેરવી દેવાયું હતું ત્યારે કેટલાક ઝૂંપડાવાસીઓએ દબાણ ટીમ સાથે તૂ તું મૈ મૈ કર્યું હતું. પરંતુ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તૈનાત હોવાના કારણે તમામને સંયમપૂર્વક ખદેડી દીધા હતા. જ્યારે બીજી બાજુ પાલિકાની કાર્યવાહી જોવા લોક ટોળા એકત્ર થતાં તેને પણ પોલીસોએ હટાવ્યા હતા. દબાણ શાખાની ટીમે ઝૂંપડા હટાવ્યા બાદ એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.