AIADMK-BJP Alliance: કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે આજે તમિલનાડુની મુલાકાત દરમિયાન AIADMKના નેતા ઈ પલાનીસ્વામી સાથે ગઠબંધન કર્યું હોવાની જાહેરાત કરી છે. તેમણે ઈ પલાનીસ્વામી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે બેઠક યોજી મીડિયા સમક્ષ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં AIADMK-BJP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી છે.
અમિતશાહે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને AIADMK ગઠબંધન સાથે મળી રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડશે. તેમજ તમિલનાડુમાં AIADMKના નેતાની આગેવાની હેઠળ ચૂંટણી લડવામાં આવશે. વડાપ્રધાન મોદી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ સાથે મળી અનેક વર્ષો સુધી રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં કામ કર્યું છે.
આ પણ વાંચોઃ તહવ્વુર રાણાની જેમ દેશ છોડીને નાસી ગયા હતા બે અંડરવર્લ્ડ ડોન, હાલ ત્રણેય ભારતની જેલમાં બંધ
ડીએમકેને કોઈ તક નહીં આપીએ
વધુમાં શાહે કહ્યું કે, અમે ડીએમકે માટે કોઈ તક નહીં આપીએ. અમે પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. મને વિશ્વાસ છે કે, આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં એનડીએનો ફરીથી પ્રચંડ બહુમતિ સાથે વિજય થશે. અને તમિલનાડુમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે.
તમિલનાડુની અંદર ડીએમકે પાર્ટી સનાતન ધર્મ, ત્રણ ભાષા નીતિ જેવા અનેક મુદ્દાઓનો વિરોધ કરી રહી છે. જેનો ઉદ્દેશ પ્રજાને મુખ્ય મુદ્દાઓથી ગેરમાર્ગે દોરવાનો છે. આગામી ચૂંટણીમાં અમે ડીએમકે સરકારના ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા, દલિતો અને મહિલાઓ પર અત્યાચારના મુદ્દાઓ પર લોકોનું ધ્યાન દોરી મત માગીશું. ડીએમકે સરકારે રૂ. 39000 કરોડનુ દારૂ કૌભાંડ, સેન્ડ માઈનિંગ સ્કેમ, વીજ કૌભાંડ, ફ્રી ધોતી કૌભાંડ, પરિવહન કૌભાંડ જેવા અનેક ગોટાળાઓ કર્યા છે. જેનો જવાબ આપવો પડશે.