![]()
ક્રિકેટહિત રક્ષક સમિતિ દ્વારા કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આગામી તા. ૧૧ જાન્યુઆરીના રોજ ભારત- ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વન-ડે મેચને લઈ ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી વડોદરા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, બીસીએ સ્ટેડિયમ વડોદરા- હાલોલ એક્સપ્રેસ વે પરથી અંદાજે એક કિલોમીટર અંદર આવેલું છે. સ્ટેડિયમ સુધી પહોંચવાનો એકમાત્ર પ્રવેશ માર્ગ શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી, હાલોલથી વડોદરા તરફ જતા સર્વિસ રોડ પરથી ખુલ્લો છે. જેના કારણે વડોદરાથી સ્ટેડિયમ તરફ આવનારા વાહનોને એક્સપ્રેસ વે પ૨ યુ-ટર્ન લઈને સામેના સર્વિસ રોડ પ૨ જવું ફરજિયાત બને છે. હાલ આ માર્ગ સિવાય કોઈ વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ નથી.
વધુમાં જણાવ્યું છે કે, હાઈવે પરથી સ્ટેડિયમ સુધી જવા માટે ફક્ત એક જ નવો આર.સી.સી.માર્ગ છે, જે મુખ્યત્વે ફોર-વ્હીલર વાહનો માટે છે. ટુ-વ્હીલર વાહનો અવર જવર કરી શકે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. આ ઉપરાંત આ માર્ગ ઉપર આવેલી હાઈટેન્શન લાઈનના ટાવર્સ વાહન વ્યવહારના મુક્ત પ્રવાહમાં અવરોધરૂપ બની શકે છે. સ્ટેડિયમમાં પ્રવેશ કરતા પહેલા એક કેનાલ આવે છે, જેના ઉપરનો રસ્તો ખૂબ જ સાંકડો છે અને તે હજુ બાંધકામ હેઠળ છે. હાલ બીસીએ સ્ટેડિયમમાં માત્ર ૫૦૦ કારની પાર્કિંગ ક્ષમતા છે. ૩૦ હજાર દર્શકોને મેચ માટે આમંત્રિત કરવામાં આવે તો સ્ટેડિયમની અંદર અને બહાર મળીને આશરે બે હજાર ફોર-વ્હીલર પાર્કિંગની જરૂરિયાત ઊભી કરવી પડે.
તેમજ કેટલીક જરૂરી પરવાનગીઓ બાકી હોવા છતાં બીસીએ દ્વારા એક વર્ષથી વધુ સમયથી સ્ટેડિયમની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. કોટંબી ગ્રામ પંચાયતે પણ બીસીએને બિલ્ડિંગ યુટિલાઇઝેશન (બિ.યુ.) પરમિશન સર્ટિફિકેટ રજૂ કરવા જણાવ્યું છે, જે આજદિન સુધી રજૂ કરવામાં આવ્યું નથી. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિવારક પગલાં લેવા, કાયદેસર નિયમો અને પરવાનગીઓનું પાલને ચકાસવા તેમજ ૩૦ હજાર દર્શકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ન થાય તે સુનિશ્ચિત કરવા માગ કરી છે.
બીસીએ સ્ટેડિયમને બિલ્ડીંગ યુટિલાઈઝેશન સર્ટિફિકેટ મળ્યું નથી!
વડોદરા અર્બન પ્લાનિંગ એન્ડ લેન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા બીસીએ સ્ટેડિયમ માટે બિલ્ડીંગ યુટિલાઈઝેશન સર્ટિફિકેટ જારી કરતા પહેલા વિવિધ શરતોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, આ શરતોમાંથી કેટલીક શરતોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતાં હજુ સુધી બીસીએને બિલ્ડીંગ યુટિલાઈઝેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી તેવુ જણાવાયું છે.
આપત્તિ સમયે એક જ માર્ગ જાનહાનિ સર્જેતેવી ભિતી
બીસીએ દ્વારા સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ફક્ત એક જ એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે, જેમાં મોટા હાઈ-ટેન્શન લાઈનના ટાવર્સ વાહન વ્યવહાર માટે અવરોધરૂપ બની શકે છે. ભીડથાય તો ઇમર્જન્સી સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ વાહનો અટવાઈ જવાની શક્યતા છે. આગામી મેચ દરમિયાન અંદાજે ૩૦ હજાર દર્શકો અને તેમના વાહનો આ જ એક રસ્તાનો ઉપયોગ કરશે, જેથી પ્રવેશ અને બહાર નીકળતી વખતે ટ્રાફિક જામ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મેચ પૂર્ણ થયા બાદ ભીડ વિખેરવામાં કલાકો લાગી શકે છે, એક જ એપ્રોચ રોડ પર સાથેનું ડિઝાઈન કાનૂની રીતે પણ માન્ય નથી. સ્ટેડિયમના એક્સેસ પ્લાનનું તાત્કાલિક પુનઃડિઝાઈન કરવામાં આવે, બહુવિધ એક્સેસ રોડ તૈયાર કરવા માગ કરી છે.
તાજેતરના બનાવો ચેતવણીરૂપ બન્યા છે
કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સીની મુલાકાત દરમિયાન સર્જાયેલી અફરાતફરી તેમજ જૂન ૨૦૨૫માં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલની જીતની ઉજવણી દરમિયાન થયેલી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા.આવા બનાવો ચેતવણી આપે છે કે, એક જ એપ્રોચ રોડ કેવી રીતે મૃત્યુફંદો બની શકે છે. જેથી બહુવિધિ એક્સેસ અને ઇમરજન્સી એગ્ઝિટ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે.










