![]()
Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લા ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધતો જાય છે, અને ધીમે ધીમે ઠંડીનો પારો નીચે સરકતો જાય છે. આજે વહેલી સવારે કડકડતી ઠંડીના કારણે ઠંડીનો પારો વધુ અડધી ડીગ્રીના ઘટાડા સાથે વધુ નીચે સરકીને 13.0 ડીગ્રી આસપાસ પહોંચ્યો છે, જેથી મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો છે. સાથો સાથ ભેજના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે.
ગઈકાલે વહેલી સવારે ઠંડીનો પારો ૩ ડીગ્રીના ઘટાડા સાથે 13.5 ડીગ્રી આસપાસ રહ્યો હતો, અને ત્યારબાદ સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું, પરંતુ ગઈકાલે રાત્રેથી ઠંડીના ચમકારામાં વધારો થયો હતો, અને ઠંડીનો પારો અડધી ડિગ્રીના ઘટાડા સાથે નીચે સરકયો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તેમજ ધીમે ધીમે ઠંડી પગ પેસારો કરતી જાય છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.0 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન 30.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15.0 થી 20.0 કિ.મીની ઝડપે રહી હતી.










