વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર દ્વારા સંચાલિત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપ સ્કીમમાં દર વર્ષ કરતા ઓછા વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું હોવાના કારણે આ સ્કીમ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે.
૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલરશિપ આપવામાં સત્તાધીશોએ ગત વર્ષની જેમ જ વિલંબ કર્યો છે.જ્યારે શૈક્ષણિક વર્ષ પૂરુ થવા આવ્યું છે ત્યારે સ્કોલરશિપ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.તા.૨૮ માર્ચથી આ સ્કીમના ફોર્મ ભરવાનું શરુ કરાયું.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.૧૨ એપ્રિલ છે પરંતુ હજી સુધી ૧૫૬૨ ફોર્મ ભરાયા છે અને તેમાંથી પણ ૨૯૪ ફોર્મ અધુરા છે.
સત્તાધીશોએ આ વખતે સ્કોલરશિપ માટે એપ્લાય કરવાની મર્યાદા ૩.૫૦ લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા કરી છે.આમ છતા સ્કોલરશિપ માટે ઓછા ફોર્મ ભરાયા હોવાથી સત્તાધીશોએ ફોર્મ ભરવાની તારીખ લંબાવીને ૧૭ એપ્રિલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સ્કોલરશિપ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને તેમણે ભરેલી ફી પાછી આપવામાં આવે છે.જોકે દર વર્ષે ૨૫૦૦ થી ૩૦૦૦ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે અને આ વખતે તેનાથી અડધા જ ફોર્મ ભરાયા હોવાથી સત્તાધીશોને તારીખ લંબાવવી પડી છે.