![]()
Accident in Kheda: ખેડા જિલ્લાના ડાકોર-કપડવંજ માર્ગ પર શનિવારે (27મી ડિસેમ્બર) હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મુળીયાદ ગામ નજીક રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહદારીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ: ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી પાડ્યું, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
વહેલી સવારે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, શનિવારે વહેલી સવારે જ્યારે વાતાવરણમાં અંધારું હતું, ત્યારે ડાકોર-કપડવંજ હાઈવે પર આવેલા મુળીયાદ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. એક રાહદારી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલકે માનવતા દાખવવાને બદલે વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ ફરાર વાહન ચાલકની શોધખોળ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મૃતક રાહદારી કોણ હતો અને ક્યાંનો રહેવાસી હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.










