Murshidabad violence : કોલકાતા હાઈકોર્ટે હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાના આદેશ આપ્યા છે. હાઇકોર્ટે કહ્યું છે કે પરિસ્થિતિ આવી હોય ત્યારે અદાલત આંખો બંધ ન કરી શકે. વક્ફ કાયદામાં સુધારા બાદથી જ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે જેમાં આજે સતત બીજા દિવસે મુર્શિદાબાદમાં ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. લૂંટના ઈરાદે હુમલા બાદ પિતા-પુત્રની હત્યા કરી દેવાતા તણાવ વધ્યો છે. એવામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેંદુ અધિકારીએ કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં કરી હતી. જોકે મમતા સરકારે આ માંગનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યમાં સેન્ટ્રલ ફોર્સની કોઈ જરૂર નથી. રાજ્યના DGP પણ આજે મુર્શિદાબાદની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે.
મુર્શિદાબાદમાં પિતા-પુત્રની હત્યા, કુલ ત્રણના મોત
વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેંદુ અધિકારીએ રાજ્યમાં કેન્દ્રીય દળોને તહેનાત કરવાની માંગ કરી છે. સ્થાનિક અહેવાલો અનુસાર ટોળાંએ લૂંટપાટના ઈરાદે હુમલો કર્યો હતો. પિતા અને પુત્રએ ટોળાંનો પ્રતિકાર કરતાં તેમને ઢોર માર મારવામાં આવ્યો. મૃતકોના નામ હરગોવિંદ દાસ તથા ચંદન દાસ છે. ગઈકાલે વિરોધ પ્રદર્શનમાં સામેલ યુવકને પોલીસની ગોળી વાગી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન આજે તે યુવકનું મોત થયું છે.
118 લોકોની અટકાયત
નોંધનીય છે કે ગઇકાલે જુમ્માની નમાઝ બાદ પણ બંગાળમાં હિંસા થઈ હતી. જેમાં ટોળાં દ્વારા અનેક જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી. ઘણી જગ્યાઓ પર ટોળાં અને પોલીસ વચ્ચે પણ અથડામણ થઈ હતી. અનેક દુકાનો તથા વાહનોમાં પણ ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. ટોળાંએ પોલીસના વાહનો તથા આઉટપોસ્ટને પણ આગને હવાલે કરી હતી. ગઇકાલે થયેલી હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં 118 લોકોની અટકાયત કરી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પરિસ્થિતિને જોતાં મુર્શિદાબાદમાં સ્પેશિયલ ફોર્સને તહેનાત કરવામાં આવી છે.
જીવું છું ત્યાં સુધી વક્ફ કાયદો બંગાળમાં લાગુ નહીં થાય: મમતા બેનરજી
\બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હિંસા કરી રહેલા લોકોને વાયદો આપ્યો છે કે રાજ્યમાં આ કાયદો લાગુ નહીં થાય. મમતા બેનરજીએ કહ્યું છે કે, ‘જે કાયદાના કારણે તમે નારાજ છો તે અમે નથી બનાવ્યો, કેન્દ્ર સરકાર બનાવ્યો છે. તેથી કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગો. અમે કહ્યું છે કે રાજ્યમાં આ કાયદો લાગુ જ નહીં થાય તો હિંસા કેમ થઈ રહી છે? દરેક વ્યક્તિનો જીવ કિંમતી છે. ધર્મના નામે કોઈ પણ ખોટું કામ ન કરશો.’ મમતા બેનરજીનો આરોપ છે કે રાજ્યની વિપક્ષી પાર્ટીઓ હિંસા ભડકાવી રહી છે.