– ઘુસણખોર ઔરંગઝેબ નહીં પણ મહારાણા પ્રતાપ જેવા દેશના લડવૈયાઓને આદર્શ બનાવો
– બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર પણ ધર્મ આધારિત અનામતના સમર્થનમાં નહોતા, કોર્ટોએ આવી અનામત નકારી છે : દત્તાત્રેય
– ઔરંગઝેબ જેવાને આદર્શ બનાવી દેવાયા જ્યારે તેના ભાઇ દારા શિખોહની નોંધ ના લેવાઇ જે સમાજની એકતામાં માનતો હતો
– ભારતને વિશ્વ સમક્ષ રોલ મોડેલ તરીકે રજુ કરવું હોય તો સમાજે એક થવું પડશે, જાતિવાદ સહિતના ભેદભાવ દૂર કરવા પડશે
– વકફ મુદ્દે અત્યાર સુધી લેવાયેલા તમામ નિર્ણયો યોગ્ય, આગળ શું થશે તેના પર અમારી નજર છે તેવી સ્પષ્ટતા
બેંગલુરુ: કર્ણાટકની સરકાર દ્વારા સરકારી કોન્ટ્રાક્ટરમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને ચાર ટકા અનામત આપતુ બિલ વિધાનસભામાં પસાર કરાયું છે. જેને લઇને ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસ પણ તેમાં સામેલ થયું છે. સંઘે કહ્યું છે કે કહ્યું છે કે આપણા દેશનું બંધારણ ધર્મ આધારિત અનામત નથી સ્વીકારતું, ધર્મ આધારિત અનામત આપણા બંધારણના ઘડવૈયા બી. આર. આંબેડકરની વિરુદ્ધમાં છે. કેમ કે આંબેડકર પણ ધર્મ આધારીત અનામતની વિરુદ્ધમાં હતા. સંઘે મુઘલકાળના ઔરંગઝેબ અને વકફ કાયદામાં સુધારા માટેના બિલ અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ જવાબ આપ્યો હતો.
આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું હતું કે ભારતીય બંધારણે પણ ધર્મ આધારીત અનામતનો સ્વીકાર નહોતો કર્યો, આ પહેલા આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર દ્વારા પણ મુસ્લિમોને ધર્મ આધારિત અનામત આપવાનો પ્રયાસ થયો હતો જેને હાઇકોર્ટો અને સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી દેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ૧૭મી સદીના મુઘલ ઔરંગઝેબની કબરને લઇને ચાલી રહેલા વિવાદ અંગે વાત કરતા સંઘના વરીષ્ઠ મહાસચિવે કહ્યું હતું કે ઔરંગઝેબ જેવા આપણા આદર્શ ના હોઇ શકે, ઔરંગઝેબને આદર્શ બનાવી દેવાયો જ્યારે તેના ભાઇ દારા શિખોહ અંગે કોઇએ કઇ ના કહ્યું, દારા શિખોહ સામાજિક એકતામાં માનનારો હતો. જે પણ લોકોએ ભારત વિરોધી કામ કર્યા તેને આદર્શ બનાવી દેવાયા.
સંઘ નેતાએ રાજપુત રાજા મહારાણા પ્રતાપના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે અકબરનો સામનો કરનારા મહારાણા પ્રતાપ જેવા લોકો પણ આઝાદીના લડવૈયા હતા, જે લોકો દેશના સમર્થનમાં હતા તેની સાથે આપણે ઉભા રહેવું જોઇએ. આપણે વિચારવું જોઇએ કે જે લોકો બહારથી આવીને દેશ વિરોધી કામ કરતા હતા તેને આદર્શ માનવા છે કે જે લોકોએ દેશ માટે લડાઇ લડી તેને આદર્શ માનવા છે. સંઘના વરીષ્ઠ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ વાયબ્રન્ટ સમાજ ઉભો થઇ રહ્યો છે પરંતુ આપણી સામે કેટલાક પડકારો પણ છે. હજુ પણ દેશમાં આભડછેટ છે, જાતિવાદ હજુ પણ છે, જેને દૂર કરવા માટે સંઘ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે, સંઘ કેડેટ્સ વચ્ચે આંતર જાતિય લગ્નો થઇ રહ્યા છે.
સંઘના વરીષ્ઠ નેતાએ કહ્યું હતું કે ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમાં સંઘની કોઇ ભૂમિકા નથી. આ કામ પક્ષનું છે તેઓ જ કરશે, જ્યાંસુધી પ્રચારક મોકલવાનો સવાલ છે તો એવો કોઇ નિયમ નથી, જો તેઓ માંગશે તો અમે વિચાર કરીશું. વકફ કાયદામાં સુધારા માટેના બિલના વિવાદ અંગે વાત કરતા સંઘના નેતાએ કહ્યું હતું કે સરકારે હાલ આ માટે કમિશનની રચના કરી છે. હજુસુધી આ મામલે જે કોઇ પણ નિર્ણય લેવાયા તે સાચી દિશામાં છે. આગળ શું થાય છે તેના પર અમારી નજર છે.
બેંગલુરુમાં ચાલી રહેલી સંઘની રાષ્ટ્રીય સ્તરની બેઠકનો રવિવારે અંત આવ્યો હતો, આ બેઠકમાં સંઘવડા મોહન ભાગવત, મહાસચિવ દત્તાત્રેય હોસબોલે, ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા, ભાજપના મહાસચિવ બી એલ સંતોષ અને સંઘ સાથે સંકળાયેલી અન્ય ૩૨ સંસ્થાઓના પ્રમુખ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એક ઠરાવ પસાર કરાયો હતો જેમાં હિન્દુ સમાજની અંદરના તમામ પ્રકારના ભેદભાવને દૂર કરવાનું સમર્થન કરાયું હતું. આ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે સંઘના કાર્યકર્તાઓને અમે હાકલ કરીએ છીએ કે તેઓ સંયુક્ત એકતાવાળા ભારતને વિશ્વ સમક્ષ રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કરવાની કામગીરી માટે કટિબદ્ધતા દાખવે. તમામ સમાજને સાથે રાખીને ચાલવાની ભાવના કેળવે.