– ગરમી અને ગંદકીથી દર્દીઓની સંખ્યા વધી
– કાંસની સફાઈ, બિસ્માર રસ્તા, પાણી લિકેજના પ્રશ્નો વણઉકેલ્યા : સફાઈ, દવાનો છંટકાવ કરવા માંગ
કપડવંજ : કપડવંજ પાલિકા વિસ્તારમાં ગંદકીના મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. ત્યારે ગરમી અને ગંદકીના લીધે દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી છે. ત્યારે પાલિકા વિસ્તારમાં યોગ્ય દેખરેખ વચ્ચે સફાઈ કરી દવાનો છંટકાવ કરાય તેવી માંગણી ઉઠી છે.
સરકાર દ્વારા સ્વચ્છતા માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવવતી હોય છે, ત્યારે કપડવંજ પાલિકા વિસ્તારમાં અંધારિયા વડ, પ્રાથમિક કન્યા શાળા, જટવાડા તરના રોડ સહિતના વિસ્તારો પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ગરમી અને ગંદકીના કારણે ઝાડા- ઉલટી, વાયરલ ઈન્ફેક્શનના રોગોના કારણે દવાખાનાઓમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મચ્છર અને પાણીજન્ય રોગનું કપડવંજ પાલિકા વિસ્તારમાં પ્રમાણ વધ્યું છે.
કપડવંજ નગરપાલિકા દ્વારા કાંસની સફાઈ, ફાયર ફાઈટર સહિતના વાહનોના નહીં લેવાયેલા વિમા, ઉબડખાબડ રસ્તા, પાણી લિકેજ જેવા પ્રશ્નો ઉકેલાતા નહીં હોવાથી નગરજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા ફોગિંગથી દવાનો છંટકાવ, ક્લોરિન, ડીડીટીનો છંટકાવ કરી યોગ્ય દેખરેખ વચ્ચે સફાઈ કરાય તેવી માંગણી ઉઠી છે.તાલુકામાં પણ દવાખાના સમયસર ખૂલ્લા રહે અને મચ્છર અને પાણીજન્ય રોગચાળો થતા અટકાવવા પગલા લેવાય તેવી માંગણી ઉઠી છે.