– સૌરાષ્ટ્રના મીની સુરત એવા ભાવનગરના હીરા ઉદ્યોગમાં મંદીનું વમળ
– ભાવનગર ડાયમંડ એસો. દ્વારા જીજેએનઆરએફના સહયોગથી જરૂરિયાતમંદ 2200 રત્ન કલાકાર પરિવારને કિટનું વિતરણ : હજુ 800 કિટ અપાશે
ભાવનગર : સૌરાષ્ટ્રમાં હીરા ઉદ્યોગનું હબ અને મીની સુરત ગણાતાં ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ મંદીનું વમળ સર્જાયું છે જેના કારણે રત્નકલાકારોની મજૂરીમાં ઘડાડો થવાથી લઈ તેમને ઘરે બેસવાનો વારો આવ્યો છે ત્યારે આવા જરૂરિયતમંદ રત્નકલાકારો અને તેના પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી ભાવનગર ડાયમંડ એસો.એ લીધી છે. એસો.એ ઘઉં સિવાયની જીવન જરૂરિયાતની ખાદ્યસામગ્રીની કિટ તૈયાર કરી ૨૨૦૦ રત્નકલાકાર પરિવારને અન્નદાન કર્યું છે.
મુંબઈ સ્થિત જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન(જીજેએનઆરએફ)ના સહયોગથી ભાવનગર ડાયમંડ એસોસિએશને આ અભિયાન ઉપાડયું છે, જેમાં એસોસિએશનના સભ્યો દ્વારા એસો.માં નોંધાયેલાં હીરા કારખાનેદારનો સંપર્ક કરી તેમની પાસેથી જરૂરિયાતમંદ રત્નકલાકારની વિગત એકત્રિત કરવામાં આવી રહી છે અને તે વિગતના આધારે એસો. દ્વારા વિવિધ માપદંડના આધારે ખરાઈ કરવામાં આવી રહી છે.તમામ માપદંડમાં રત્ન કલાકાર જરૂરિયાતમંદ હોવાનું જણાતાં તેના આધાર કાર્ડ, મોબાઈલ નંબર સહિતના પૂરાવા મેળવી દૈનિક જરૂરિયાતમાં ઉપયોગી એવી અલગ-અલગ અનાજ-કઠોળ અને તેલ સહિત દોઢ માસ સુધી ચાલે તેટલી ખાદ્ય સામગ્રીની ૨૦ કિલોની કિટ સહાય પેટે આપવામાં આવે છે. ડાયમંડ એસો.ના પ્રમુખ ઘનશ્યામ ગોરજીયાના જણાવ્યાનુંસાર, હાલ અન્નદાન યોજના હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના ૨૨૦૦ રત્નકલાકાર પરિવારને કિટ અપાઈ છે.મહિનાના અંત સુધીમાં વધુ ૮૦૦ પરિવારને કિટ આપવામાં આવશે. તેમ તેમણે વિગત આપતા અંતમાં જણાવ્યું હતું.
રત્નકલાકારો માટે જૂથ વીમા યોજના પણ શરૂ કરાઈ
ભાવનગર શહેર અને જિલ્લામાં રહેતાં અને પેટિયું રળતાં રત્નકલાકારોને આરોગ્ય સંબંધિત આકસ્મિક ખર્ચ આવે તો તેમની હાલત પડયું પર પાટું જેવી થઈ જાય છે, ઘણાં કિસ્સામાં હોસ્પિટલના બીલ ચૂકવવા વ્યાજે નાણાં લેવાથી લઈ દેવું થઈ જતાં રત્નકલાકાર દ્વારા ખોટું પગલે ભરાઈ જતું હોવાની ઘટનાઓ પણ એસો.ના ધ્યાને આવી છે જેના નિવારણ માટે એસો.એ અંદાજે 5 હજારથી વધુ રત્ન કલાકારોના જૂથ વીમા લીધા છે. જે અંતર્ગત તેમને વાર્ષિક રૂા.૩૫ હજાર સુધીની કેશલેશ સુવિધા અપાય છે. આ યોજનાથી રત્નકલાકારો અને તેમના પરિવારની આરોગ્યલક્ષી સમસ્યા ઉકેલાતી હોવાનું રત્નકલાકારોએ જણાવ્યું હતું.